સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક હાજીપુર ગામ પાસે નેશનલ હાઈવે પર શુક્રવારે સવારે એક ડાલામાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં ડાલાના ચાલકનો આબાદ બચાવ થયો હતો. હિંમતનગર ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
અમદાવાદથી હિંમતનગર તરફ આવી રહેલા GJ-31-T-8580 નંબરના ડાલામાં કેબિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો, ત્યારબાદ આગ લાગી હતી. ચાલકે સમયસૂચકતા વાપરીને ડાલું રોકી દીધું અને તેમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. હિંમતનગર ફાયર વિભાગના મયંકભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે.