Gujarat

વન વિભાગે રેસ્ક્યુ કરીને જંગલમાં છોડ્યાના ત્રણ કલાક બાદ ઘટી ઘટના, મૃતદેહને પેનલ પીએમ માટે મોકલ્યો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામ નજીક આજે એક અત્યંત દુઃખદ ઘટના બની છે. વહેલી સવારે રહેણાક વિસ્તારમાંથી વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયેલી એક સિંહણનું માત્ર ત્રણ કલાક બાદ ગામ નજીકની કેનાલમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. કેનાલમાં વેલ અને ઘાસ વધુ હોવાના કારણે સિંહણનો પગ તેમાં ફસાઈ ગયો હતો, જેને કારણે તે પાણીમાંથી બહાર નીકળી શકી નહીં અને તેનું મૃત્યુ થયું હતું.

સિંહણનું સવારે 5 વાગ્યે રહેણાક વિસ્તારમાંથી રેસ્ક્યૂ માંગરોળ વન વિભાગના અધિકારી ગુલાબબેન સુહાગીયા દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે વહેલી સવારે અંગાજે 5 વાગ્યે એક સિંહણ દિવાસા ગામના રહેણાક વિસ્તારમાં, એક મકાનના ડેલામાં ઘૂસી આવી હતી. સિંહણને જોઈને ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો. દિવાસા ગામના સરપંચે તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરી હતી.

માહિતી મળતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક દિવાસા ગામે પહોંચી હતી અને દરવાજો તોડીને સિંહણને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી બહાર કાઢી હતી. રેસ્ક્યૂ બાદ આ સિંહણને સુરક્ષિત રીતે જંગલના રસ્તે છોડી મૂકવામાં આવી હતી.