Gujarat

ગોધરા ST વિભાગે સ્વચ્છોત્સવ પખવાડિયાની ઉજવણી કરી

ગોધરા એસ.ટી. વિભાગ દ્વારા ‘સ્વચ્છતા હિ સેવા 2025 – સ્વચ્છોત્સવ પખવાડિયા’ અંતર્ગત શ્રમદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાનના ભાગરૂપે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ગોધરા ડેપોના વર્કશોપ અને હંગામી બસ સ્ટેશન સહિતના સ્થળોએ સફાઈ કામગીરી કરી હતી.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ગોધરા વિભાગ દ્વારા આ પખવાડિયા દરમિયાન વિવિધ સ્વચ્છતા અભિયાન અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. વિભાગના તમામ સાત ડેપો દ્વારા જિલ્લા અને તાલુકાની સંસ્થાઓ, કોલેજોના NSS વિદ્યાર્થીઓ અને શાળાના વિદ્યાર્થીઓને સાથે રાખીને સ્વચ્છતા જાગૃતિ રેલીઓ કાઢવામાં આવી રહી છે.

ગોધરા વિભાગ યંત્રાલય ખાતે વિભાગના અને યંત્રાલયના તમામ કર્મચારીઓએ સાથે મળીને શ્રમદાન કર્યું હતું. આ દરમિયાન વર્કશોપ સહિતના સમગ્ર કાર્યસ્થળની સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશો અપાયો હતો. પર્યાવરણની જાળવણીના ભાગરૂપે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.