Gujarat

183 PM આવાસના ડ્રો, 25 નવી CNG સિટી બસનું લોકાર્પણ, કાલાવડ રોડના આઇકોનિક બ્રિજનું ખાતમુહૂર્ત થશે

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા.26 માર્ચના રાજકોટ આવી રહ્યાં છે. જેમાં તેમનાં હસ્તે રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કુલ રૂ.565.63 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.

જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત કુલ 183 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો, શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં 25 નવી સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસનું લોકાર્પણ, કાલાવડ રોડ પર નવા રિંગ રોડ ચોક ખાતે નિર્માણ પામનાર આઇકોનિક ફ્લાયઓવર બ્રિજનુ ખાતમુહૂર્ત કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી રૂ.58.54 કરોડના 4 પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ.332.26 કરોડના જુદા જુદા 35 પ્રકલ્પોના ખાતમુહૂર્ત એમ કુલ રૂ.390.80 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી, ખાલી પડેલ EWS-2 (1.5 BHK)ના 133, MIG (3 BHK)ના 50 એમ કુલ 183 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવશે.

આ ઉપરાંત રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના રૂ.174.83 કરોડના 6 પ્રકલ્પોના ખાતમુહૂર્ત ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવા તા.26 મીના સાંજે 5 કલાકે નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર કટારીયા ઓટો મોબાઈલ્સ શો રૂમની બાજુમાં આવેલા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.