અંજાર તાલુકાના મોરગર ગામ નજીક ભુજ-દુધઈ ધોરીમાર્ગ પર વહેલી પરોઢે એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી, જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. ભચાઉ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ભુજ ફાયર કંટ્રોલ રૂમમાંથી ભચાઉ ફાયર ટીમને આજે, 28 સપ્ટેમ્બર, 2025 ના રોજ સવારે 4 વાગ્યાની આસપાસ અંજાર તાલુકાના મોરગર ગામ પાસે કારમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી.
ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગની જ્વાળાઓને અન્ય કોઈ નુકસાન પહોંચાડે તે પહેલાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાને કારણે ધોરીમાર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં ભયની લાગણી ફેલાઈ હતી, પરંતુ ફાયર વિભાગની સમયસરની કામગીરીથી વધુ નુકસાન અટકાવી શકાયું હતું.