સુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસે મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે પ્રવિણભાઇ અમરશીભાઇ થરેશા નામના શખ્સને 54,453 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ તથાપેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ. ઝાલાએ અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી.
પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ. અજયવીરસિંહ ઝાલા અને પો.કોન્સ. અશ્વિનભાઇ માથુકીયાને બાતમી મળી હતી કે પ્રવિણભાઇ થરેશા ચોરીના દાગીના વેચવાની પેરવી કરી રહ્યો છે. તે મેથાણ માનપુર ગામની સીમમાં જયેશભાઇ પટેલની વાડીએ હાજર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને પકડી પાડ્યો હતો. તેની પાસેથી પીળી ધાતુના દાગીના, રોકડ રૂપિયા, મોટરસાઇકલ અને મોબાઇલ ફોન મળી કુલ 54,453 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ચાર પીળી ધાતુના હાર (કિંમત 10,000 રૂપિયા), બે પીળી ધાતુની ચેઇન (કિંમત 200 રૂપિયા), અલગ-અલગ દરના સિક્કા (કિંમત 11 રૂપિયા), એક મોટરસાઇકલ (કિંમત 40,000 રૂપિયા), એક મોબાઇલ (કિંમત 2,000 રૂપિયા), એક અન્ય મોબાઇલ (કિંમત 500 રૂપિયા) અને કટુડા ગામના મંદિરમાંથી ચોરી કરેલા 1742 રૂપિયા સામેલ છે.