Gujarat

પરકોટાના રામજી મંદિરે શાલિગ્રામ-તુલસીના વિવાહ ધાર્મિક વિધિથી યોજાયા

વિરમગામમાં પરકોટા સ્થિત રામજી મંદિરે ત્રિદિવસીય તુલસી વિવાહ મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો. આ મહોત્સવ ૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ થી ૧ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન યોજાયો હતો. ભગવાન શાલિગ્રામ વરપક્ષે બિમલભાઈ ગોવિંદભાઈ પટેલ પરિવાર યજમાન હતા, જ્યારે માતા ભગવતી શ્રી તુલસી વૃંદા કન્યાપક્ષે પરાગ ધીરૂભાઈ વાઘેલા પરિવાર યજમાન બન્યા હતા.

ભગવાન શાલિગ્રામ અને માતા ભગવતી તુલસી વૃંદાનું મામેરું મોસાળપક્ષે શકુંતલાબેન ગોવિંદભાઈ પરીખ પરિવાર, મંગળાબેન નટવરલાલ પટેલ પરિવાર, કોકીલાબેન મહેન્દ્રભાઈ પટેલ પરિવાર અને રમીલાબેન ઈન્દ્રવદનભાઈ પટેલ પરિવાર (ઘંટીવાળો ખાંચો, પરકોટા) દ્વારા રાખવામાં આવ્યું હતું.

મહોત્સવના પ્રથમ દિવસે, ૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ, ભગવાન શાલિગ્રામ અને માતા ભગવતી તુલસી વૃંદાને રામજી મંદિર, પરકોટાથી બંને યજમાનના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ શાલિગ્રામ અને તુલસીવૃંદાના યજમાનના નિવાસસ્થાને મહેંદી રસમની વિધિ યોજાઈ હતી.

દ્વિતીય દિવસે, ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ, ભગવાન શાલિગ્રામના યજમાન બિમલભાઈ ગોવિંદભાઈ પટેલ અને કૌશિકભાઈ સકરચંદભાઈ પટેલના નિવાસસ્થાને ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત, ચાંલ્લાવિધિ અને હલ્દી રસમની વિધિ કરવામાં આવી હતી. માતા ભગવતી તુલસી વૃંદાની મહેંદી રસમ અને હલ્દી રસમ પરાગ ધીરૂભાઈ વાઘેલાના નિવાસસ્થાન (નવયુગ સ્કૂલ સામે, પોપટ ચોકડી) ખાતે યોજાઈ હતી. રાત્રે રામજી મંદિર ચોક, મોટા પરકોટા ખાતે ભવ્ય રાસગરબા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

મહોત્સવના અંતિમ દિવસે, ૧ નવેમ્બર, ૨૦૨૫, શનિવારના રોજ, વહેલી સવારથી જ ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત અને રૂડા મામેરા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ત્યારબાદ રામજી મંદિર, પરકોટા, વિરમગામથી જાન બિમલભાઈ ગોવિંદભાઈ પટેલ અને કૌશિકભાઈ સકરચંદભાઈ પટેલ (ઉમિયાનગર સોસાયટી) ના નિવાસસ્થાને પહોંચી હતી. સામૈયા બાદ હસ્તમેળાપ સહિતના કાર્યક્રમો સંપન્ન થયા હતા.