Gujarat

સગીર દીકરીએ મોજશોખ પૂરા કરવા ચોરી શરૂ કરી, સિમ વગરનો મોબાઇલ મળતાં ભાંડો ફૂટ્યો

15 વર્ષીય સગીરા મોજશોખ પૂરા કરવા પાડોશીઓના ઘરમાંથી રૂ. 200, 500, દાગીના, ફોન જેવી વસ્તુઓની ચોરી કરવાના રવાડે ચઢી ગઈ હતી. તેણે પાડોશીના ફોનની ચોરી કરી ત્યારે તેના પિતા-નાનીને આખી ઘટનાની જાણ થઈ હતી. બંનેએ તેને સમજાવી તો ઝઘડો કરી ધમકી આપવા લાગતા કંટાળેલા પિતાએ દીકરીને સમજાવવા રડતાં રડતાં અભયમને ફોન કરી મદદ માગી.

પૂર્વ વિસ્તારમાં પોતાની નાનીના ઘરે રહેતી 15 વર્ષીય સગીરા નાનીનું કહ્યું માનતી ન હતી અને પોતાની મરજી મુજબ જ કરતી હતી. રોજ સાંજે 7 વાગે મિત્રો સાથે બહાર જવાનું કહી નીકળી જતી અને મોડી રાતે 11.30 વાગે ઘરે આવતી હતી. એક દિવસ સગીરાના પિતા નાનીના ઘરે આવ્યા ત્યારે દીકરી મોડી રાતે 11.30 વાગે ઘરે આવી હતી અને તેની પાસેથી સિમ વગરનો ફોન મળ્યો હતો, જેથી સગીરાને પૂછતાં તેણે કોઈ જવાબ આપ્યો નહોતો.

ત્યાર બાદ વધુ પૂછપરછ કરતા રમવાના બહાને પાડોશીના ઘરે જઈ ઘરમાંથી રોકડ તથા ફોનની ચોરી કરતી અને તેના પૈસાથી મોજશોખ પૂરા કરતી હોવાનું જણાયું હતું. તેથી પિતાએ તેને સમજાવી, પરંતુ તે કશું સમજવા તૈયાર ન હતી અને નાની-પિતા સાથે ઝઘડો કરી ધમકી આપતી હતી.

આથી પિતાએ રડતાં રડતાં ફોન કરી અભયમની મદદ માગતા અભયમ ટીમે ઘટનાસ્થળે આવી સગીરાનું કાઉન્સેલિંગ કરી ચોરી ગુનો છે તેવી કાનૂની સમજ આપી હતી. ઉપરાંત અભયમની ટીમે તેના લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે મનોચિકિત્સકની સારવાર લેવાની સલાહ આપી હતી.