Gujarat

આર્થિક તંગીથી ડિપ્રેસ્ડ યુવક તાપીમાં કૂદવા ગયો; પગલું ભરે તે પહેલાં જ પોલીસે વાતોમાં ભોળવી બચાવી લીધો

સુરતમાં આર્થિક તંગીથી ત્રસ્ત અને ડિપ્રેશનનો શિકાર બનેલો યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા ગયો હતો. આ અંગેની જાણ થતાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ યુવકને આત્મહત્યા કરતાં અટકાવી બચાવી લીધો હતો અને પોલીસ સ્ટેશન લઈ જઈ કાઉન્સેલિંગ કર્યું હતું.

મળતી માહિતી મુજબ, સિંગણપોર પોલીસને કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે, વરિયાવ બ્રિજ પર એક યુવાન આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો છે. જેના આધારે તાત્કાલિક સિંગણપોર પોલીસ સ્ટેશનની વાન તેમજ પીસીઆર-28 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં એક યુવાન બ્રિજની રેલિંગ કૂદીને આપઘાત કરવાની કોશિશ કરી રહ્યો હોવાનું નજરે પડ્યું હતું. રોડ પરના રાહદારીઓ પણ ભેગા થઈ ગયા હતા.

યુવક સતત આપઘાતનું રટણ કરી રહ્યો આ મામલે પોલીસના કર્મચારીઓએ આપઘાત કરવા જઈ રહેલા યુવકને વાતોમાં ભોળવ્યો હતો અને યુવક સતત આપઘાતનું રટણ કરી રહ્યો હતો. દરમિયાન રેલિંગની નજીક આવતા જ રેલિંગની બહારથી પકડી લીધો હતો અને સમયસૂચકતા વાપરી આ યુવાનને જકડી રાખી પોલીસ દ્વારા બ્રિજ પર બનાવેલી કાંટાળી તાર ફેન્સિંગ ટપીને આ યુવાનને બચાવી લેવાયો હતો અને પોલીસ સ્ટેશન લઈ આવી તેની પૂછપરછ કરી હતી.