Gujarat

ગુજરાત પ્રદેશ પ્રમુખ-મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચાની શક્યતા, સંગઠન-સરકારમાં નવાજૂની થશે

આજે(2 ઓગસ્ટ)ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો. રાજ્ય અને જિલ્લાકક્ષાના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને લાઇવ ટેલિકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂતોને 1118 કરોડની રકમનો 20મો હપતો, DBT મારફત સહાય વિતરણ કરવામાં આવ્યો હતો.

સવારે ગુજરાતના CM-PMની વર્ચ્યુઅલી મુલાકાત થયા બાદ સાંજના સમયે ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા અને પીએમ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મિટિંગમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચા થવાની શક્યતા છે. ઘણા સમયથી વિલંબમાં પડેલી ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ કે ચૂંટણી હવે થોડા સમયમાં થઈ જાય એવી શક્યતા દેખાય છે.

શુક્રવારે બપોર બાદ નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, સંગઠન રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ અને કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત ભાજપના અધ્યક્ષની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે નિમાયેલા ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બેઠક મળી હતી, જેમાં પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા જલદી પૂરી કરવાનો નિર્ણય થયો છે.

આ જોતાં રવિવારે કે સોમવારે આ માટેની પ્રક્રિયાને લઈને કોઈ મોટા સમાચાર મળી શકે એમ છે. બેઠક બાદ યાદવ ગમે ત્યારે ગુજરાત આવી શકે છે. તેઓ પહોંચે એ પહેલાં ભાજપના અધ્યક્ષ પદ માટે જેને નામાંકન ભરવું હોય તેમને કમલમ પર હાજર રહેવાનું જણાવાઈ શકે છે.