Gujarat

ઉતરતાં ચોમાસે 18 થી 25મી સુધી ઉ.ગુ.માં હળવા વરસાદની શક્યતા

સતત છઠ્ઠા દિવસે ઉત્તર ગુજરાત કોરુંધાકોર રહ્યું હતું. સામાન્ય વાદળછાયા વાતાવરણ વચ્ચે રાત્રીના તાપમાનમાં સવા ડિગ્રીનો વધારો અને દિવસના તાપમાનમાં આંશિક ઘટાડો થયો હતો. જેને લઇ રાત્રીનું તાપમાન 25.5 ડિગ્રીની આસપાસ અને દિવસનું તાપમાન 33.5 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે પણ વરસાદની શક્યતા ના બરાબર રહેશે.

રાજસ્થાનના શ્રીગંગાનગર, નાગોર, જોધપુર અને બાડમેર સહિતના પશ્ચિમ વિસ્તારથી ચોમાસાની વિદાય શરૂ થઇ છે. ઉત્તર ગુજરાતમાં પણ છેલ્લા 6 દિવસથી વરસાદે વિરામ લીધો છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, મંગળવારે ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા ના બરાબર રહેશે. જો કે, 17 સપ્ટેમ્બરથી વાદળોની અવર-જવરમાં વધારો થવાની શક્યતા છે.

18 થી 25 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા 51 થી 75 ટકા રહી શકે છે. આ દરમિયાન, છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.

જો કે, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં વરસાદની શક્યતા વધુ જણાઇ રહી છે. જ્યારે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા ઘણી ઓછી છે.

ઉલ્લેખનિય છે કે, આગામી 48 કલાક બાદ કચ્છના કેટલાક ભાગો સાથે બનાસકાંઠાના સરહદી વિસ્તારના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઇ શકે છે.