રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ભરતી કેલેન્ડર મુજબ વર્ગ 1, 2 અને 3ની 94 હજાર જગ્યાઓ પર ભરતી કરવાની છે. પરંતુ તેમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભરતીને લઇને કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
જેથી શાળા સંચાલક મંડળમાં રોષ જોવા મળ્યો છે. સંચાલક મંડળનું માનવું છે કે ગ્રાન્ટેડ સ્કૂલો ભરતી વિના ચલાવવા અઘરી છે. શિક્ષણ વિભાગમાં આ અંગે લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ દ્વારા 13 માર્ચના રોજ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આગામી 10 વર્ષમાં 94,000 ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં ગ્રાન્ટેડ સ્કૂલનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેને લઈને રાજ્ય શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખ્યો છે.
ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ સ્કૂલના ખાલી પડેલા વિવિધ સ્ટાફની ભરતીની પણ જાહેરાત કરવામાં આવે. સરકારી સ્કૂલોમાં 1094 જગ્યા પર ભરતી કરવામાં આવે છે જ્યારે ગ્રાન્ટમાં એક પણ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી નથી.
શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2011થી સંચાલક મંડળ પાસેથી ભરતી લીધી છે. સંચાલકોનું ભરતી માટે સ્થાન જ નથી. જો આ રીતે જ ભરતી બંધ કરીને સરકાર પણ ભરતી ના કરે તો બંધ કરી દેવી પડશે. બાળકો ક્યાં ભણશે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભરતીની કોઈ જાહેરાત જ કરી નથી.
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આગામી 10 વર્ષને લઈને ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં પ્રાથમિક શિક્ષણ, કમિશનરેટ ઓફ સ્કૂલ્સ, GCERT, GHSEB, NCC, ટેક્નિકલ ક્ષેત્ર સહિતમાં પ્રિન્સિપાલ, પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક સહિતની વર્ગ 1-2 અને 3 માટેની જગ્યાઓ પર 10 વર્ષ દરમિયાન કુલ 94 હજારથી વધુ ભરતી પ્રક્રિયાને લઈને કેલેન્ડર જાહેર કર્યું છે.