પોલીસના ડંડાથી પોલીસને જ માર પડ્યો છે અને આ ઘટના સુરત શહેરના અઠવા વિસ્તારમાં બની છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ ઘટનાને 17 કલાક થઈ ગયા પછી પણ પોલીસે પોતાના જ માર ખાધેલાની ફરિયાદ દાખલ કરી નથી. ભાટેના વિસ્તારમાં શંકાસ્પદ લાગતા આરોપીઓનો પીછા કરવા ગયેલા સલાબતપુરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓને ત્રણથી ચાર જેટલા લોકોએ ઢોર માર્યો હતો.
એટલું જ નહીં, પોલીસના હાથમાં જે ડંડો હતો, તેનાથી જ પોલીસ કર્મીઓને માર મારવામાં આવ્યો હતો. આરોપીઓમાંથી એક આરોપીએ ચપ્પુ વડે એક પોલીસ કર્મી પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, પોલીસ કર્મીએ જેકેટ પહેર્યું હોવાથી સામાન્ય ઈજા થઈ હતી.
બે પોલીસકર્મી પર પાંચ જેટલા લોકોનો હુમલો સામાન્ય રીતે સાંભળવામાં આવે છે કે, પોલીસ લોકોની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ કરતી હોય છે, પરંતુ સુરત શહેરમાં 17 કલાક થઈ ગયા પછી પણ અસામાજિક તત્વો દ્વારા ઢોર મારવામાં આવેલા પોલીસ કર્મીની ફરિયાદ પોતે જ પોલીસે અત્યાર સુધી દાખલ કરી નથી.
પોલીસ પર હુમલાની આ બીજી ઘટના છે અને એ પણ અઠવા વિસ્તારમાં બની છે. થોડાક દિવસ પહેલા આ જ વિસ્તારમાં બુટલેગરે બેફામ થઈને કાર પોલીસકર્મી ઉપર ચડાવી દીધી હતી. તેના થોડાક દિવસ બાદ જ આજ વિસ્તારમાં સલાબતપુરા વિસ્તારના બે પોલીસ કર્મીઓ ઉપર ચારથી પાંચ જેટલા લોકોએ હુમલો કર્યો હતો.