Gujarat

SVPમાં આખા એક ફ્લોર પર સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર બનશે, સારવાર માટે ખેલાડીએ બીજા રાજ્યમાં જવું પડશે નહીં

2036માં યોજાનારી ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે એસવીપી હોસ્પિટલમાં 9 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરની દરખાસ્ત છે. કોઈ ખેલાડીને રમત દરમિયાન ઈજા થાય તો દિલ્હી, બેંગ્લુરુ કે ચેન્નઈ મોકલવામાં આવે છે. પરંતુ આ સેન્ટર બની ગયા પછી અહીં સારવાર થશે. આ સ્પોર્ટ્સ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા મળી રહેશે.

સૌથી મોટો લાભ એ હશે કે ખેલાડીને ફિઝિયોથેરાપીથી ઉપરના લેવલે સારવાર મળશે. આ સેન્ટરની દરખાસ્ત મ્યુનિ. કમિશનરે તાજેતરમાં રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં સમાવાઈ હતી. એસવીપી હોસ્પિટલમાં આખો એક માળ આ સેન્ટર માટે અનામત રખાશે. એક વર્ષમાં કામગીરી શરૂ થઈ જવાની શક્યતા છે.

શોલ્ડર પમ્પ : સ્નાયુ ફાટી જાય તો દૂરબિનથી ઓપરેશન વખતે સ્નાયુને પ્રેશર આપવું પડે છે. સર્જરી માટે આ મશીનનો ઉપયોગ થાય છે. ખભા કે હાથની પોઝિશન યોગ્ય રાખવા લિમ્બ પોઝિશનર ઉપયોગી છે.

સૂચર રિટ્રાઈવર : ખભાનો સ્નાયુ ફાટે તો ટાંકા લેવા આ મશીનનો ઉપયોગ થાય છે.

રેડિયો ફ્રીકવન્સી આરએફ : દૂરબિનથી ઓપરેશનમાં લોહી વહે છે પણ દેખાતું નથી. આ મશીન લોહી બંધ કરે છે.

ઓર્થોસ્કોપિક વીડિયો રેકોર્ડર : આ સાધન સર્જરી રેકોર્ડ કરે છે. તે મેડિકલના વિદ્યાર્થીઓને બતાવવામાં ઉપયોગી છે.

આર્થોસ્કોપી સેટ : ખભા, ઘૂંટણ કે અન્ય સાંધાની આર્થોસ્કોપી કરવાનું મશીન.

શોલ્ડર સેટ : દૂરબિનથી ખભા કે ઘૂંટણ, ઘૂંટી, કોણી, કાંડાનું ઓપરેશન કરવાનું હોય તો આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.