શહેરને પાણી પૂરું પાડતા 135 વર્ષ જુના માટીના પાડાથી બનેલા આજવા સરોવર ડેમની મજબૂતી અને સરોવરના પાડાની ERT સિસ્ટમથી ચકાસણી શરૂ કરવામાં આવી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 1.50 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિકલ રેસીસ્ટીવીટી (ERT) સિસ્ટમથી શરૂ કરવામાં આવેલો સર્વે આગામી ત્રણ માસમાં પૂર્ણ કરવામાં આવશે. આ અંગે એડિશનલ સિટી એન્જિનિયર અને પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર ધાર્મિક દવેએ જણાવ્યું હતું કે, 135 વર્ષ જુના માટીના પાડાથી બનેલા આજવા સરોવરના આ સર્વેમાં “ઈલેક્ટ્રિકલ રેસીસ્ટીવીટી ટોમોગ્રાફી (ERT)” પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સર્વેની કામગીરી 20 જૂનથી શરૂ કરવામાં આવી છે. આ સર્વેની કામગીરી આગામી અંદાજે ત્રણ માસની અંદર પૂર્ણ થશે. ત્યારબાદ 20 દિવસમાં સરોવરના પાડા અને ડેમનો રિપોર્ટ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અતિવૃષ્ટિના સમયમાં અનેક વખત આજવા ડેમ પર ભાર વધ્યો છે, જેમાં તેની ક્ષમતા, પાયા અને માટીનું ધોવાણ હવે ફરીથી ચકાસવું મહત્વનુ બન્યું છે.
સુરક્ષા જાળવી રાખવા માટે ડેમની અંદરથી લીકેજ છે કે કેમ? તે જાણવા પાલિકા હવે કામ કરી રહી છે.
ERT એટલે શું?
ઈલેક્ટ્રિકલ રેસીસ્ટીવીટી ટોમોગ્રાફી એ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. જેમાં જમીનમાં વિવિધ સ્થરે વિદ્યુત પ્રવાહ છોડવામાં આવે છે અને જમીનની રેસીસ્ટીવિટી (વિદ્યુત પ્રત્યારોધ) માપી તેની રચનાની અંદર શું છે તે જાણી શકાય છે.
આ પદ્ધતિથી માટી કે પથ્થરના ભિન્ન ભિન્ન તબક્કાઓ, ભીની જગ્યાઓ, લીકેજ છે કે નહીં ? નોધનિય છે કે, વિશ્વભરમાં ડેમ સેફ્ટી માટે આ પદ્ધતિ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે.