Gujarat

કાળીયાબીડ લખુભા હોલ પાસે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશને કાળીયાબીડ વિસ્તારમાં આવેલા લખુભા હોલ ખાતેથી થયેલી સોનાના ચેઇનની ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખવામાં આવ્યો છે. પોલીસે ચોરી કરનાર મહિલા આરોપીને રાજકોટ ખાતેથી ઝડપી પાડી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ, તા.23-9ના રોજ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં B.N.S. કલમ-303(2) મુજબ ચોરીનો ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, નિલમબાગ પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસોએ તાત્કાલિક ધોરણે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

​પોલીસે CCTV ફૂટેજ, ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી ચોરી કરનાર વ્યક્તિ મહિલા હોવાની ખાતરી કરી હતી. સઘન તપાસ અને બાતમીદારો મારફતે પોલીસને ચોક્કસ હકીકત મળી હતી કે, ચોરી કરનાર મહિલા આરોપી હાલમાં રાજકોટ રેસકોર્ષ રીંગ રોડ પર આયકર ભવન પાસે છે, ​આરોપીની ધરપકડ અને મુદ્દામાલની જપ્તી કરી હતી.

બાતમીના આધારે, નિલમબાગ પોલીસની ટીમે તાત્કાલિક રાજકોટ પહોંચી હતી અને હકીકતવાળી જગ્યાએથી મહિલા આરોપીને સંપૂર્ણ મુદ્દામાલ સાથે પકડી પાડી હતી. નિકીતાબેન અલ્પેશભાઇ પટેલ (ઉ.વ.42, ધંધો-ઘરકામ, રહે.ગોવિંદનગર-1, ગુંદાવાળી, લાકડા પુલ પાસે, કલરવ બિલ્ડીંગ વાળી શેરી, રાજકોટ શહેર) પાસેથી એક સોનાનો ચેઇન વજન 19.990 ગ્રામ, અંદાજે રૂ.2,06,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો, નિલમબાગ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.