જામનગર મહાનગરપાલિકા દ્રારા પ્રદર્શન મેદાનમાં 10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધીના શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને આજે 4 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ મેળો શરૂ થયો નથી, અને લાંબા કાનુની જંગ બાદ હવે મહાનગરપાલિકાની ટીમ દ્રારા મેળાના ધંધાર્થીઓના માલ સામાનની જપ્તીકરણની કાર્યવાહી તથા મેળામાં અસુવિધાઓને લઈને આખરે આજે મેળાના ધંધાર્થીઓની ધીરજ ખુટી છે અને મેળાના બહિષ્કારની ચીમકી આપી છે.
આજે તા.13 અગસ્ટે પણ મેળાના પ્રારંભ બાબતે અશ્ચિયતતા છે અને મહાનગરપાલિકા દ્રારા કોઇ નવી જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત મેળો શરૃ થાય તે પહેલા કેટલીક અસુવિધાઓ બાબતે પણ મેળાના ધંધાર્થીઓ રજુઆત કરી રહ્યા છે, કે જેઓને ફાળવેલા પ્લોટ જેમાં ખૂબ જ ગંદકી અને કચરાના ઢગલા છે. જ્યાં મેળાના ધંધાર્થીઓ ફુડની વસ્તુઓ બનાવવાના છે. જ્યાં કોઇ પણ પ્રકારની સફાઇ નથી, અથવા તો ડસ્ટબીન વગેરે મુકેલા નથી અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.
જેથી કોઇપણ ફુડની વસ્તુ બનાવશે, તો તેની સ્વચ્છતા અંગેના પણ સવાલો ઉઠી રહ્યા છે. આ ઉપરાંત પ્લોટ ધારકો દ્રારા પોતાને ફાળવેલી જગ્યામાં સાફ-સફાઇ કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેમને માંગ સંતોષાઈ ન હોવાથી અને મેળો હજુ શરૂ થાય તે પહેલા જ ખાણીપીણીના પ્લોટ ધારકોના પ્લોટમાં રાખવામાં આવેલી રેકડી કે જેની અંદર ધંધાર્થીઓ માલ સામાન બનાવીને વેપાર કરતા હોય છે, તે રેકડી સહિતનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હોવાથી મેળાના ધંધાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.