Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર નજીક આવતા આદિવાસીઓ માદરે વતન રવાના — ઉમંગ સાથે હોળી ઉજવશે

છોટાઉદેપુર જિલ્લો એ 90% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જેમાં જિલ્લાના 6 તાલુકાઓમાં હોળી પર્વ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં દિવાળી કરતા પણ હોળીનું વધુ મહત્વ હોય જેથી ઉમંગ ઉત્સાહ અને શ્રદ્ધાથી વિધિવત રીતે હોળીનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે. જેને ઉજવવા હોળીના તહેવારો આજથી શરૂ થઈ રહ્યા છે. ત્યારે પર પ્રાંતમાં પર રાજ્યમાં મજૂરી અર્થે તથા ધંધો રોજગાર કરવા ગયેલા આદિવાસીઓ માદરે વતન પરત ફરી રહ્યા છે. બસો તથા ટ્રાવેલ્સ માં મોટી સંખ્યામાં આદિવાસીઓ માદરે વતન પરત ફરી રહ્યા છે.
 
છોટાઉદેપુર પંથકમાં 12 મહીનામાં આવતો હોળીના તહેવારનું અનેરું મહત્વ છે. દિવાળી કરતા પણ વધુ ઉમંગ ઉત્સાહ સાથે હોળી મનાવવામાં આવે છે. રામ ઢોલ, ત્રાંસા, કરતાલ, પાવા, વાંસળી, સાથે નાચગાન સાથે વિધિવત રીતે હોળીના તહેવારમાં મેળાઓનું આયોજન કરવામાં આવે છે. પ્રાચીન કાળથી આદિવાસી પરંપરા મુજબ તહેવાર દરમ્યાન પૂજન અર્ચન કરી વર્ષ દરમ્યાન રાખેલી બાધાઓ પૂર્ણ કરવામાં આવે છે. તથા નવી બાધાઓ રાખવામાં આવે છે. જેમાં નાનું બાળક બીમાર થયું હોય તો પ્રાગટાવેલી હોળીમાં શ્રીફળ તથા ધાણી હોમી પ્રદક્ષિણા કરવામાં આવે છે.
બીજા દિવસે ધુળેટીના દિવસને આદિવાસીભાષામાં ચુલનો દિવસ કહેવામાં આવે છે. જેમાં ઘરમાં કોઈ બીમાર હોય, તથા ઘરમાં શુભ કામ અર્થે ધગધગતા અંગારા ઉપર ચાલવાની બાધા રાખવામાં આવે છે. તથા ધગ ધગતા અંગારામાં ઉભા રહી શ્રીફળ વધેરવામાં આવે છે. જેવી વર્ષો જૂની પરંપરાગત પ્રણાલી ચાલતી આવી છે. છોટાઉદેપુર પંથકમાં હોળીનો તહેવાર મુખ્ય કહેવાય જે ઉજવવા અર્થે આદિવાસીઓ મજૂરી એથી પરત પોતાના ઘરે હજારોની સંખ્યામાં આવી રહ્યા છે.
છોટાઉદેપુર પંથકમાં રોજગારીના કોઈ માધ્યમ ન હોય જેને કારણે આદિવાસીઓને મજૂરી અર્થે પર રાજ્ય તથા પર પ્રાંતમાં હિજરત કરવાનો વારો આવે છે. જિલ્લાના ઘણા વિસ્તારો ચોમાસુ ખેતી ઉપર નભતા હોય અને ઘરનું ગુજરાન ચલાવવું અઘરું થઈ પડતું હોય છે. જેને કારણે રોજગારી મેળવવા જિલ્લાની બહાર ફાંફા મારવાનો વારો આવે છે. છોટાઉદેપુર નવો જિલ્લો અમલમાં આવ્યે ઘણા વર્ષો વીતી ગયા પરંતુ રોજગાર અર્થના કોઈ એકમો સ્થપાયા નથી. જેથી સમગ્ર વિસ્તારમાં મોટાભાગના નવ યુવાન આદિવાસીઓ રોજગાર મેળવવા અન્ય પ્રદેશ અને કાઠિયાવાડ, અમદાવાદ, સુરત, વડોદરા તરફ દોટ મૂકે છે. પરંતુ હોળી નજીક આવતા સર્વે પરત પોતાના માદરે વતન આવી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર