આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, ત્યારે આજે વાત કરવી છે એવા મહિલાની જેમના કારણે આજે ગુજરાતના લાખો બાળકો ગુડ ટચ અને બેડ ટચને સમજતા થયા છે. તેનો શ્રેય જાય છે મહિલા IPS અધિકારી સરોજ કુમારીને… વર્ષ-2018માં તેમણે વડોદરામાં ‘સમજ સ્પર્શ’ અભિયાન શરૂ કર્યું. આ અભિયાન માત્ર વડોદરા પૂરતું ન રહ્યું અને સમગ્ર ગુજરાતમાં અભિયાન આજે ચાલી રહ્યું છે. આજે ગુડ ટચ અને બેડ ટચની ચર્ચા આખા દેશમાં છેડાઈ ગઈ છે અને તેના કારણે હવે બાળકો પોતાની સાથે થતા સેક્સ્યુઅલ હેરેસ્ટમેન્ટ અંગે ફરિયાદ કરતા હવે ખચકાતા નથી.
મહિલાઓ બાળપણમાં આ વસ્તુ ફેસ કરે છેઃ સરોજ કુમારી ગુડ ટચ અને બેડ ટચ અંગે તમને ક્યારે એવું લાગ્યું કે, બાળકીઓને આ જાણવું જરૂરી છે, તેવા સવાલના જવાબમાં વડોદરા ડિવિઝન પશ્ચિમ રેલવેના પોલીસ અધિક્ષક સરોજ કુમારીએ જણાવ્યું હતું કે, મહિલા જ્યારે બાળકી હોય છે, ત્યારે બાળપણમાં આ વસ્તુને ફેસ કરતી હોય છે. તમારી આસપાસ આ પ્રકારની વસ્તુઓ થતી હોય છે. ક્યારેક તમારી ફ્રેન્ડ સાથે આવું થતું હોય છે, જેથી તમને તે અંગે કહે છે કે, તેની સાથે આવું કઈ થયું છે. જેથી તમારા મગજમાં બાળપણથી આ બધું હોય છે.

શરૂઆતમાં હું સુરત રૂરલમાં ASP તરીકે કામ કરતી હતી, તે સમયે ઓલપાડમાં એક ઘટના બની હતી. જેમાં બાળકીઓ સ્કૂલ વાનમાં બેસીને સ્કૂલે આવતી હતી. જેમાં વાનનો ડ્રાઇવર ગાડી ફૂલ સ્પીડે ચલાવતો હતો અને અચાનક બ્રેક મારતો હતો. જેથી બાળકીઓ તેની આજુબાજુમાં અને તેની ઉપર આવીને પડી જતી હતી. આ સમયે ડ્રાઇવર બાળકોને ટચ કરતો હતો. ઘણા સમય સુધી બાળકીઓ આ બધું સહન કરતી હતી.
છેવટે બાળકીઓથી સહન ન થતા ખૂબ મોડે મોડે તેઓએ પોતાના વાલીઓને આ વાત કરી હતી. જેથી મને લાગ્યું કે, બાળકીઓને પોતાના પેરેન્ટ્સને વાત કરવામાં આટલો સમય કેમ લાગે છે? બાળકીઓ સાથે આ પ્રકારની ઘટના બની રહી છે તો તેઓ પોતાના પેરેન્ટ્સને બાદ કેમ નથી કરી શકતી? જેથી મને લાગ્યું કે આ વિશે કંઈક શરૂઆત કરવી જોઈએ અને તેની શરૂઆત કઈક અલગ રીતે કરવી જોઈએ. કારણ કે, આ વાત માત્ર ગુડ ટચ બેડ ટચની નથી, આ વાત તેનાથી પણ આગળની છે.

સ્કૂલોમાં બાળકો સુધી આ વાત કેવી રીતે પહોંચાડવી, તેના માટે પણ અમે ખૂબ રિસર્ચ કર્યું હતું. કારણ કે, શિક્ષકો અને વાલીઓમાં આ બાબત બાળકો સુધી પહોંચાડવા માટે ખચકાટ પણ ન થવો જોઈએ. જેના માટે આ વાતને ખૂબ સરળ બનાવી હતી. જેના માટે અમે આ ટીમ સાથે એક સાયકોલોજિસ્ટને પણ સાથે રાખ્યા હતા. આ ટીમો સ્કૂલ જઈને બાળકોને ખૂબ જ સરળ રીતે જણાવતી કે, આ સ્પર્શ ખરાબ છે અને કોઈ ખરાબ સ્પર્શ કરે હોય તો શું કરવું? પહેલા સ્ટેજમાં જ બાળકોએ ના કહી દેવું. જ્યારે બાળક ના પાડી દે, તેનો પણ ખૂબ ફરક પડે છે.

