Gujarat

જામનગરની મહિલાઓએ પરંપરાગત કળાને આધુનિક ઓળખ આપી

જામનગરની મહિલાઓએ પરંપરાગત હેન્ડવર્કને આધુનિકતાનો સ્પર્શ આપી નવી ઓળખ આપી છે. બદલાતી પેઢી અને જીવનશૈલી વચ્ચે કળાને જીવંત રાખવાનો આ પ્રયાસ છે.

જામનગર તાલુકાના વસઈ ગામના મંજુબેન ગોસરે બાળપણથી જ હાથકામ અને પરંપરાગત ડિઝાઇનમાં રસ ધરાવતા હતા. તેમને લાગ્યું કે, નવી પેઢીને આ કળા સાથે જોડવા માટે આધુનિક ડિઝાઇન અને ઉપયોગિતા ઉમેરવી જરૂરી છે. આ વિચાર સાથે તેમણે જેસલબેન રબારી અને અન્ય મહિલાઓ સાથે મળી પરંપરાગત કારીગરીમાં આધુનિક રંગો, પેટર્ન અને ડિઝાઇનનો સમાવેશ કરવાનું શરૂ કર્યું.

તેઓ હેન્ડમેડ બેગ, ઘર સજાવટની વસ્તુઓ, વોલ હેંગિંગ, ફેશન એક્સેસરીઝ, તોરણ, પડદા, ઈંઢોણી, રજાઈ અને ચણિયાચોળી જેવી કલાત્મક વસ્તુઓ બનાવે છે. આ વસ્તુઓમાં પરંપરા અને આધુનિકતાનો સુભગ સમન્વય જોવા મળે છે, જે યુવાપેઢી અને શહેરી ગ્રાહકોમાં ખૂબ લોકપ્રિય બની રહી છે.

દેવળજૂથ, વસઈની મહિલાઓની મહેનતને ત્યારે સાચી ઓળખ મળી જ્યારે તેમણે જામનગરમાં સરકાર દ્વારા આયોજિત “સશક્ત નારી મેળા”માં ભાગ લીધો. આ મેળામાં તેમના સ્ટોલને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો, તેમની કળાની પ્રશંસા થઈ અને ખરીદી પણ થઈ. આ મેળો તેમના માટે આત્મવિશ્વાસ વધારવાનો અને પોતાની ઓળખ બનાવવાનો મોટો અવસર સાબિત થયો.

દેવળજૂથ સખીમંડળના સભ્ય મંજુબેન ગોસરના જણાવ્યા અનુસાર, તેમના સખીમંડળમાં 10 બહેનો છે. તેમણે સશક્ત નારી મેળામાં પેચવર્ક, આભલા વર્ક અને મોતીવર્કમાંથી બનેલી ચણિયાચોળી, હેન્ડબેગ, બેડશીટ અને ચાકળા જેવી વસ્તુઓ પ્રદર્શન અને વેચાણ માટે રાખી હતી. તેઓ ગ્રાહકોની અપેક્ષા મુજબ કસ્ટમાઇઝ વસ્તુઓ પણ બનાવે છે. આ કળાને 100 વર્ષથી જીવંત રાખવામાં આવી છે. સારી ગુણવત્તાવાળા હેન્ડવર્કને કારણે તેમની વસ્તુઓ ટકાઉ હોય છે. મંજુબેને આ કળાને લોકો સુધી પહોંચાડવા માટે વિનામૂલ્યે સ્ટોલ ફાળવવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

સખીમંડળના યુવા સભ્ય જેસલબેન રબારીએ જણાવ્યું કે, પરંપરાગત વસ્તુઓને આધુનિક સ્પર્શ આપવાનો વિચાર તેમને આવ્યો હતો. સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરી રહી છે, તેથી તેમણે પરંપરાગત વસ્તુઓને આધુનિક સ્વરૂપ આપી લોકો સુધી પહોંચાડવાનું વિચાર્યું. જામનગર જિલ્લા વહીવટી તંત્રએ જે.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે આયોજિત સશક્ત નારી મેળામાં વિનામૂલ્યે સ્ટોલ ફાળવી તેમને નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું, તે બદલ તેમણે સરકાર અને વહીવટી તંત્રનો આભાર માન્યો. અમારી ટીમના લીડર દક્ષાબેન અને પરિવારના સભ્યોની મદદથી અમારી કળાને નવી ઓળખ મળવામાં ઘણો સહયોગ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા યોજાતા આવા મેળાઓ મહિલાઓને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપે છે. જામનગરની આ સશક્ત નારીઓ આજે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની છે. તેઓ સાબિત કરે છે કે પરંપરાગત કળા જો નવી વિચારસરણી સાથે આગળ વધે તો તે બદલાતી પેઢીમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી શકે છે.