અમદાવાદના વ્યાસવાડી પાસે આવેલા પાન પાર્લર પર અસામાજિક તત્વોએ ગ્રાહક સાથે ઝઘડો કરીને હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ચિરાગ મુંધવા નામનો ગ્રાહક કાચની બોટલ વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટના પાનના પાર્લરમાં લાગેલા ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાડજ પોલીસે સમગ્ર મામલે ચાર શખસ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વાડજના વ્યાસવાડી ચાર રસ્તા પાસે આવેલા લાલશોટ પાન પાર્લરમાં કેટલાક અસામાજિક તત્વોએ આવીને હાજર એક ગ્રાહક સાથે બબાલ શરૂ કરી હતી. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી એટલી હદે વધી ગઈ કે આ અસામાજિક તત્વોએ પાન પાર્લરમાં આતંક મચાવીને તોડફોડ શરૂ કરી દીધી હતી.
અસામાજિક તત્વોએ પાન પાર્લરના ફ્રીજના કાચ તોડી નાખ્યા હતા. હુમલા દરમિયાન આ ચિરાગ મુંધવા નામના ગ્રાહકને કાચની બોટલ માથામાં મારતા તે ઘાયલ થયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પાન પાર્લરમાં થયેલી આ ગુંડાગીરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પાન પાર્લરના માલિકે આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ચાર અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આ અસામાજિક તત્વોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

