રાજકોટમાં શ્રદ્ધાના પ્રતીક સમાન દશામાના વ્રતની ઉજવણી બાદ રાજકોટના આજી ડેમ તેમજ વીર વીરૂ અમૃત સરોવર સહિતના શહેરની ભાગોળે આવેલા સ્થળે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે વિસર્જન મૂકવામાં આવેલી મૂર્તિઓની અવદશા થઈ હોવાના વીડિયોથી ભક્તોમાં દુઃખની લાગણી ફેલાઈ છે.
દશામાની ભવ્ય પૂજા અને આરાધના બાદ શ્રદ્ધાળુએ મૂર્તિઓને પધરાવવાને બદલે ડેમ અને તળાવના કાંઠે ગમે ત્યાં મૂકી દીધી હતી. આ બેદરકારીને કારણે અનેક મૂર્તિ ખંડિત થઈ હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

પ્રાપ્ત વિગત મુજબ દશામાના વ્રત દરમિયાન, ભક્તો દસ દિવસ સુધી માતાજીની ભક્તિમાં લીન રહે છે. પરંતુ આ વખતે વ્રત પૂર્ણ થયા બાદ મૂર્તિ વિસર્જનમાં મોટી બેદરકારી જોવા મળી છે. આજી ડેમના કાંઠે, ઉપરાંત કટારીયા ચોકડી પાસે આવેલા વીર વિરૂ અમૃત સરોવર કે જ્યાં એક સમયે હજારો ભક્તોની ભીડ હતી, ત્યાં હવે ખંડિત મૂર્તિઓના ઢગલા જોવા મળ્યા છે. આ દૃશ્યો જોઈને કોઈ પણ શ્રદ્ધાળુનું હૃદય દ્રવી ઉઠે છે. અનેક મૂર્તિઓના હાથ, પગ, કે માથાના ભાગો તૂટી ગયા છે.

