ગુજરાતમાં સિઝનના 882 મીમી (34.7 ઇંચ) વરસાદના અંદાજ સામે જુલાઇ અંતે 554.2 મીમી (21.8 ઇંચ) વરસાદ થઇ ચૂક્યો છે. રાજ્યમાં છેલ્લા 61 દિવસમાં 39 વરસાદી દિવસોમાં સિઝનનો 62.85% વરસાદ મળી ચૂક્યો છે. પણ વાવેતર 4 લાખ હેક્ટર ઓછું થયું છે. જુલાઇ સુધીમાં 370.8 મીમી (14.6 ઇંચ) વરસાદની જરૂરીયાત કરતાં 49% વધુ વરસાદ મળી ચૂક્યો છે.
જૂનમાં 16 વરસાદી દિવસોમાં કુલ 303.1 મીમી (11.9 ઇંચ), જ્યારે જુલાઇમાં 22 વરસાદી દિવસોમાં 251.1 (9.9 ઇંચ) વરસાદ મળ્યો છે. એટલે કે, જૂન કરતાં જુલાઇમાં વરસાદી દિવસો વધુ હોવા છતાં જુલાઇમાં 17% ઓછો વરસાદ થયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના 251 પૈકી 11 તાલુકામાં સિઝનનો 100% થી વધુ વરસાદ થઇ ચૂક્યો છે. રાજ્યમાં સૌથી વધુ 83.4 ઇંચ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે. રાજ્યના 207 ડેમમાં 69.06% જળસંગ્રહ થયું છે. 70% થી વધુ જળસંગ્રહ ધરાવતાં 95 ડેમ પર નજર રખાઇ રહી છે. જે પૈકી 75 ડેમ એલર્ટ પર છે.
32 ડેમ સંપૂર્ણ ભરાયાની સામે 34 ડેમમાં હજુ 25% થી ઓછું જળસંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 61.57%, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 75.77%, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 65.11%, કચ્છના 20 ડેમમાં 55.33% અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 66.17% જળસંગ્રહ થયું છે.

