પર્વતોના રાજા અને હિમાલયના દાદા તરીકે ઓળખાતા ગિરનાર પર્વત પર નાતાલના વેકેશનને લઈ પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ઠંડીની ગુલાબી મોસમ અને રજાઓના સંગમે જૂનાગઢને જાણે પ્રવાસીઓનું કેન્દ્ર બનાવી દીધું છે. વહેલી સવારથી જ ગિરનારની તળેટીથી લઈને માં અંબાના શિખર સુધી ‘જય ગિરનારી’ના નાદ સાથે આધ્યાત્મિક વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દેશના ખૂણેખૂણેથી પ્રવાસીઓ આ અલૌકિક અનુભૂતિનો હિસ્સો બનવા પહોંચ્યા છે.
ગિરનાર પ્રવાસીઓની પહેલી પસંદ આજના આધુનિક યુગમાં જ્યાં લોકો કૃત્રિમ રિસોર્ટ પાછળ દોડી રહ્યા છે, ત્યાં ગિરનાર પર્વત તેની અદભૂત પ્રાકૃતિક સુંદરતા અને આધ્યાત્મિક શક્તિને કારણે પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યો છે. અહીં પ્રકૃતિ અને પરમેશ્વરનો એવો અદભૂત સમન્વય જોવા મળે છે કે જે પ્રવાસીઓના મન-મગજને શાંતિ અર્પે છે.
વહેલી સવારે જ્યારે ધુમ્મસની ચાદર ઓઢીને પર્વત બિરાજમાન હોય છે, ત્યારે વાદળો જાણે પ્રવાસીઓ સાથે વાતો કરતા હોય તેવો ભાસ થાય છે. આ પ્રકૃતિના ખોળામાં વિતાવેલી ક્ષણો પ્રવાસીઓ માટે જીવનભરનું ભાથું બની રહે છે. ભક્તિ, સાહસ અને કુદરતની આ ત્રિવેણી સંગમ જ ગિરનારને વિશ્વભરના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવે છે.
રોપ-વે સુવિધા બન્યું આશીર્વાદ, વૃદ્ધોએ પણ લીધો લહાવો એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેની સુવિધા શરૂ થતા હવે યાત્રિકો માટે માં અંબાના દર્શન અત્યંત સરળ બન્યા છે. નાતાલની રજાને લઈ રોપ-વે પર પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
રોપ-વે સંચાલકો દ્વારા પ્રવાસીઓ માટે પીવાના પાણી, જમવા અને ખાસ કરીને વૃદ્ધો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. માત્ર 10 મિનિટની રોપ-વે સફર દરમિયાન ગિરનારની ખાઈઓ અને જંગલના દૃશ્યો જોઈ પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા.

