Gujarat

29 જૂને એરપોર્ટની આસપાસ વિસ્ફોટક પદાર્થ મૂક્યો હોવાની ધમકી મળી હતી

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સ્કૂલ, એરપોર્ટ અને કોર્ટ જેવી સંસ્થાઓને ધમકીભર્યા ઈમેઈલ મળવાનો સિલસિલો ચાલુ છે. ગત 29 જૂને અમદાવાદ એરપોર્ટને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈમેઈલ મારફતે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી.

જોકે, ધમકી મળ્યા બાદ અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, જેથી એરપોર્ટની કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી. એરપોર્ટ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એરપોર્ટ પર અદાણી કંપનીમાં સિક્યુરિટી મેનેજર તરીકે નોકરી કરતા નીલમની શર્માએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 29 જૂને સવારે 10:30 એ અદાણીના ઓફિશિયલ ઇમેલ પર એક અજાણ્યા ઈ-મેલ આઇડીથી અંગ્રેજીમાં ઈમેલ મળ્યો હતો.

જેમાં લખ્યું હતું કે એરપોર્ટની આસપાસ બેગપેકમાં પાવરફુલ વિસ્ફોટક છુપાવ્યું છે, તમારે ઝડપથી બિલ્ડીંગ ખાલી કરાવી પડશે. બિલ્ડીંગ ખાલી નહીં કરાવતો લોકો મરી જશે. આ આતંકી હુમલાની જવાબદારી રોડકીલ અને ક્યો નામના બે વ્યક્તિઓ લઈ રહ્યા છે.