સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહના આદેશ અનુસાર સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એલસીબી શાખાના પોલીસ કર્મચારીઓને ખાનગી બાતમી મળી હતી. બાતમી અનુસાર માંડવી તાલુકાના વિરપોર ગામની સીમમાં આવેલા ગ્રીન વુડ વીલા ફાર્મ હાઉસના મકાન નંબર 66માં જુગારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આશિષભાઇ રમેશભાઇ ખુંટે આ મકાન ભાડે રાખીને અન્ય લોકોને જુગાર રમવા માટે બોલાવ્યા હતા. પોલીસે બાતમીના આધારે રેઇડ કરતાં સ્થળ પરથી પાંચ આરોપીઓને પકડી પાડ્યા હતા. ફાર્મ હાઉસનું મેનેજમેન્ટ કરનાર ગૌતમભાઇ વધાસીયા (રહે. કામરેજ, સુરત) જે આરોપીઓને જુગાર રમવા માટે મકાન ભાડે આપતો હતો, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આરોપીઓ ગંજીપાના વડે પૈસા સાથે ત્રણ પત્તીનો હાર-જીતનો જુગાર રમતા હતા. પોલીસે જુગારના દાવ પરથી રૂ. 18,940, અંગઝડતીમાંથી રૂ. 1,09,600, પાંચ મોબાઇલ ફોન (કિંમત રૂ. 25,000), ત્રણ વાહનો (બે મોટરસાઇકલ અને એક કાર, કિંમત રૂ. 3,40,000) અને ગંજીપાનાની એક કેટ મળી કુલ રૂ. 4,93,540નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.