Gujarat

17,514 બોટલ દારૂ કેસમાં વધુ ત્રણ આરોપી ઝડપાયા, નવસારી જેલમાંથી કસ્ટડી લેવાઈ

મોરબી એલસીબી પોલીસે 1.11 કરોડના દારૂ કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓને નવસારી જેલમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

ગત જાન્યુઆરીમાં મોરબી નજીક શનાળા ગામની સીમમાં આનંદ પાર્ટી પ્લોટની પાછળ આવેલા ભૂમિ ગોડાઉનમાંથી એસએમસીની ટીમે દારૂનો મોટો જથ્થો પકડ્યો હતો. આ દરોડામાં 17,514 દારૂની બોટલ, ત્રણ વાહન, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ 1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

કેસમાં કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. તેમાંથી ચાર આરોપીઓની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરવામાં આવી હતી. હવે એલસીબીની ટીમે વધુ ત્રણ આરોપીઓને પકડ્યા છે. આ આરોપીઓમાં વિકાસ ઉર્ફે વિકી બિશ્નોઈ (21), સુનિલકુમાર ઉર્ફે દલપતસિંહ (32) અને રામકુમાર ઉર્ફે ડાલા ઉર્ફે પ્રધાન (49)નો સમાવેશ થાય છે.

મુખ્ય આરોપી અશોક પુનારામ પુવાર (રાજસ્થાન), ગોડાઉન ભાડે રાખનાર કમલેશ રામ અને અન્ય આરોપીઓની સંડોવણી સામે આવી હતી. પોલીસે પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યા અને તેમની ટીમે આ કામગીરી કરી છે.