જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં ગઈકાલે રાત્રે એક દુઃખદ ઘટના બની છે. આડા સંબંધની શંકાએ કાલાવડ વકીલ મંડળના સેક્રેટરી અને જાણીતા એડવોકેટ ઇમ્તિયાઝભાઈ કેસરભાઈ ડોડીયાની કરપીણ હત્યા કરવામાં આવી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને જામનગરના વકીલ આલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
ત્રણ શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કાલાવડની શીતલા કોલોની વિસ્તારમાં રહેતા એડવોકેટ ઇમ્તિયાઝભાઈ ડોડીયા ગઈકાલે રાત્રે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા અને ઘરનું તાળું ખોલી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ત્રણ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને તીક્ષ્ણ હથિયાર એટલે કે છરી વડે તેમના પર જીવલેણ હુમલો કરી દીધો હતો.
આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ઇમ્તિયાઝભાઈ ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા સારવાર મળે એ પહેલાં જ મોત બનાવની જાણ થતાં જ કાલાવડમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇમ્તિયાઝભાઈના ભાઈ આસિફભાઇ ડોડીયા સહિતના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત એડવોકેટને તાત્કાલિક સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જો કે, હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં જ ઇમ્તિયાઝભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. આ કરુણ ઘટનાની જાણ થતાં કાલાવડ પોલીસ તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો.

