Gujarat

‘સમય’અને ધીરજ’ એ બે હીરા અને મોતી છે જેની મદદથી આપણે સૌથી મોટા લક્ષ્યો પ્રાપ્ત કરી શકીએ છીએ..મિત્રો

આજે આપણે ભગવદ્ ગીતા જ્ઞાનમાં જોઇએ તો જીવનમાં મુશ્કેલીઓ ચોક્કસ આવે છે પરંતુ ચિંતા કરવાથી કોઈ સમસ્યાનું સમાધાન નથી થઈ શકતું.ચિંતા આપણી વિચારવાની ક્ષમતાને અવરોધે છે અને આ અવરોધ આપણા દુઃખનું મૂળ છે. ચિંતાથી પીડિત વ્યક્તિ એક વાર નહિ પણ ઘણી વાર મૃત્યુ પામે છે.તે માત્ર એક જ વાર નહીં પરંતુ જીવનભર બળે છે.
  જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય છે, ત્યારે તેને ઉકેલવા માટે વિચાર કરવો એ એકમાત્ર શાણો નિર્ણય છે.વિચારશીલ વ્યક્તિમાટે કોઈક યા બીજી રીત ચોક્કસપણે મળી જાય છે.તેની પાસે વિવેક બુદ્ધિ છે અને તે સમસ્યાથી ડરતો નથી પરંતુ મક્કમ રહે છે. સમસ્યાનો સામનો કરવો એટલે અડધી સફળતા હાંસલ કરવી. તેથી, ચિંતામાં નહીં પણ ચિંતનમાં જીવન જીવતા શીખો,કારણકે જ્યાં ચિંતન છે ત્યાં ચોક્કસ ઉકેલ છે અથવા ચોક્કસ માર્ગ છે.
વ્યક્તિની અંદર હંમેશા કંઈક વિચાર અને કોઈ કંપની ચાલતી હોય છે. જો તમારે વિચારવું હોય અને કંપની રાખવી હોય તો શા માટે શ્રેષ્ઠ સાથે ન કરો. દુનિયામાં એવા ઘણા લોકો છે જે કોઈ પણ હેતુ વગર વિચારીને અને સામાજિકતા કરીને પોતાનું મન અને સમય બંને વેડફતા રહે છે.
સારા વિચારો અને સંગત દ્વારા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. દુનિયા આવા લોકોથી ભરેલી છે જેમનું પહેલાનું જીવન ખરાબ વલણોથી ભરેલું હતું પરંતુ સમય જતાં, યોગ્ય કંપની અને યોગ્ય વાતાવરણ સાથે, તેઓએ માત્ર પોતાને જ નહીં,પરંતુ લાખો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત પણ બન્યા.
ચિંતાની સૌથી મોટી આડઅસર એ છે કે ચિંતા કરવાથી આવનારી સમસ્યાનું નિરાકરણ નથી આવતું પરંતુ વર્તમાનની શાંતિને ચોક્કસ પણે ખલેલ પહોંચાડે છે.
જો તમને યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિ પાસેથી યોગ્ય માર્ગદર્શન મળે તો પરિણામ પણ સારું આવે છે.સારી વૃત્તિઓ સારાવાતાવરણ માં જ જન્મે છે.જો સંજોગો તમારા પર હાવી હોય તો લાચાર ન બનો. સારા સાહિત્યને તમારો સાથી બનાવો અને તમારાવિચારો ને નિશ્ચયમાં પરિવર્તિત કરીને શૂન્યથી શિખરે પહોંચો.
આચાર-વિચાર શુદ્ધ હશે, ત્યાં ભક્તિને પુષ્ટિ મળશે.જીવન વિલાસમય થયું એટલે જ  ભક્તિ નો વિનાશ થયો છે. ભાગવતશાસ્ત્ર મનુષ્યને કાળના મુખમાંથી છોડાવે છે, મનુષ્યને સાવધાન કરે છે.કાળના મુખમાંથી છૂટવા કાળના પણ કાળ શ્રીકૃષ્ણ ને શરણે જાવ.જે સર્વસ્વભગવાન ઉપર છોડે છે તેની ચિંતા ભગવાન પોતે કરે છે.
પિતામહ ભીષ્મ મહાભારતના યુદ્ધમાં દુર્યોધનના ટોણાં સાંભળી પ્રતિજ્ઞા કરે છે કે, આવતીકાલે હું અર્જુનને મારીશ અથવા હું મરીશ આથી બધા ગભરાયા. કારણ ભીષ્મપ્રતિજ્ઞા એટલે શું તે બધા જાણતા હતા.શ્રીકૃષ્ણ ભગવાનને પણ ચેન નથી.રાત્રે નિદ્રા ન આવી. અત્યારે અર્જુનની શું હાલત થશે એવો વિચાર આવતાં તેઓ અર્જુનના તંબૂમાં ગયા.જઇને જુએ છે તો અર્જુન તો શાંતિથી ઊંઘતો હતો. ભગવાને વિચાર્યું કે, ભીષ્મે આવી ભીષણ પ્રતિજ્ઞા કરી છે, છતાં આ શાંતિથી સૂતો છે. તેમણે અર્જુનને જગાડીને પૂછ્યું, તેં ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી. અર્જુન કહે,હા સાંભળી.
શ્રીકૃષ્ણ કહે, અને છતાં તું આમ નિરાંતે ઊંઘે છે? તને મૃત્યુની બીક નથી, ચિંતા નથી?
અર્જુન કહે, મારી ચિંતા કરનારો જાગે છે, એ જાણું છું એટલે હું નિરાંતે ઊંઘું છું. તે મારી ચિંતા કરશે. હું શા માટે ચિંતા કરું?
 અર્જુનની પેઠે બધું ઈશ્વર પર છોડો. મનુષ્યની ચિંતા જ્યાં સુધી ઈશ્વરને માથે ન છોડાય, ત્યાં સુધી તે નિશ્ચિંત થતો નથી.
પ્રથમ સ્કંધમાં અધિકાર કથા કહી છે. અધિકાર સિદ્ધ થાય તો સંત મળે છે. અધિકાર વિના સંત મળે, તો તેના તરફ સદ્ભાવ જાગતો નથી. સંતને શોધવાની જરૂર નથી. શોધવાથી પ્રભુ કૃપા થશે નહીં. મન દુર્જન હશે ત્યાં સુધી સંત મળશે નહીં. સંત થશો તો સંત મળી આવશે.
કેમ જોવું તે શીખવે એ સંત. સંત જોવાની દૃષ્ટિ આપે છે. સંસારના પદાર્થને જોવામાં આનંદ છે, ભોગવવામાં નથી. સંસાર એ ઈશ્વરનું સ્વરૂપ છે. તેથી જગતને ઈશ્વરમય નિહાળો, મહાપ્રભુજી એ વૈષ્ણવનું લક્ષણ બતાવ્યું છે કે, જેના દર્શનથી શ્રીકૃષ્ણ યાદ આવે તે વૈષ્ણવ. જેના સંગથી પ્રભુ યાદ આવે તે વૈષ્ણવ.
શ્રીકૃષ્ણ-શુકદેવના દર્શનથી અપ્સરાઓમાં વૈરાગ્ય આવ્યો હતો અને શ્રીકૃષ્ણકથા પાછળ તેઓ પાગલ બની હતી. એનું નામ સંતદર્શન.એવા સંતો જગતમાં છે. સદગુરુનો અભાવ નથી પણ શિષ્ય નો અભાવ છે. જેનો અધિકાર સિદ્ધ થયો છે તેને સંત પુરુષ મળી આવે છે. મનુષ્ય સંત બને છેત્યારે તેને સંત મળે છે
જેની આંખમાં ઈશ્વર છે તે સર્વમાં ઈશ્વરનો અનુભવ કરે છે.આ જગતમાં નિર્દોષ એક પરમાત્માછે સંતોમાં પણ એકાદ દોષ રહેલો હશે આ બ્રહ્માજીની સૃષ્ટિ ગુણ દોષથી ભરેલી છે.જગતમ સર્વ પ્રકારે કોઈ સુખી થઈ શકતો નથી. સંસારના પ્રત્યેક પદાર્થમાં દોષ અને ગુણ પણ છે. દષ્ટિને એવી ગુણમય બનાવજો કે,કોઇના દોષ દેખાય નહીં.તમારી દૃષ્ટિ ગુણદોષ થી ભરેલી હશે ત્યાં સુધી સંતમાં પણ તમને દોષ દેખાશે.માટે જ્ઞાન દૃષ્ટિથી જુઓ. બધું જગત બ્રહ્મ મય દેખાશે. જેમ દૃષ્ટિ ગુણમય છે તે જ સંત છે. અભિમાન આવે એટલે પતન થાય છે.સતત દીનતા આવે છે. જરૂરનું છે. મા બાળકને શણગારી બીજા લોકોની નજર ન લાગે એટલા માટે તેના ગાલ ઉપર મેસનું ટપકું કરે છે તેમ કદાચ ઈશ્વર પણ સંતોમાં તે ભક્તોમાં એકાદ દોષ રાખતો હશે. મનુષ્યમાં કોઈ દોષ ન રહે તો તેના મનમાં અભિમાન આવી જાય. માટે કોઇના દોષ જોશો નહીં. કોઇના પાપનો વિચાર કરશો નહીં કે વાણીથી તેનો ઉચ્ચાર કરશો નહીં. ઘર છોડવાથી સંત થવાય છે એવું નથી. ઘરમાં રહીને સંત થઈ શકાય છે. ઘરમાં રહીને ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. તુકારામ મહારાજ, એકનાથ, ગોપીઓ વગેરેએ ઘરમાં રહીને પ્રભુને પ્રાપ્ત કર્યા છે. ભગવાં કપડાં પહેરવાથી સંત થવાતું નથી. પરીક્ષિત રાજા એ મનને સુધાર્યું એટલે તેને શુકદેવજી મળ્યા.માનવજીવનનું લક્ષ્ય શું?પરમાત્મા. પરમાત્માનું દર્શન મિલન સંસારમાં જે આ લક્ષ્યને યાદ રાખે તે સંત. પ્રતિક્ષણે જે સાવધાન તે સંત.
જેણે પોતાનું મન સુધાર્યુંએ સંતછે મનને સુધારશો તો તમે સંત થશો. મનને સુધારવાની જરૂર છે. જગત બગડ્યું નથી,આપણું મન બગડ્યું છે. મન ઉપર વિશ્વાસ ન રાખશો. મન ઉપર અંકુશ રાખો. આત્મા એ મનનો સાક્ષી છે, દૃષ્ટા છે. જે દિવસે મન શુદ્ધ છે, એવી સાથી આત્મા આપે તે દિવસ માનજો કે તમે સંત છો. મૃત્યુના સ્મરણથી મન સુધરે છે. મૃત્યુના વિસ્મરણથી મન બગડે છે.
જે ઘડીએ પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે, સાતમા દિવસે હું મરવાનો છું તે જ ઘડીએ તેના વિલાસી જીવનનો અંત આવ્યો. પરીક્ષિતને મૃત્યુની બીક લાગી અને તેનું જીવન સુધર્યું. મરણનું દુઃખ ભયંકર છે. જીવ શરીર છોડે છે, ત્યારે હજાર વીંછી એક સાથે ડંખ મારે ને જેટલી વેદના થાય તેટલી વેદના થાય છે.
જન્મ પણ દુઃખ છે. વૃદ્ધાવસ્થા પણ દુઃખ, સ્ત્રી પણ દુઃખ છે, પણ એથી મોટું દુઃખ મરણ છે. માટે વેળાસર ચેતી જાઓ. આ દુઃખોને રોજ યાદ કરો. રોજ વિચારો કે, આજે યમદૂત મને લેવા આવે તો હું ક્યાં જઇશ. નરકમાં, સ્વર્ગમાં કે વૈકુંઠમાં?મૃત્યુનું નિવારણ કદી શક્ય નથી તો પાપ શા માટે કરો છો ? કેટલાક બહુ ડાહ્યા હોય છે.બશેર શાક લેવું હોય તો આખી બજાર ફરી શું લેવું તેનો વિચાર કરે છે,પણ મૃત્યુ નો વિચાર કરો છો? મૃત્યુને રોજ યાદ કરો,તો તમારું પાપ છૂટી જશે અને પાપ છૂટી જાય,ત્યારે માનજો કે તમે સંત છો. મનુષ્ય માને છે કે, હું પાપ કરું છું તે કોઈ જોતું નથી. પણ પાપપુણ્યના અનેક સાક્ષીઓ છે.સૂર્ય,ચંદ્ર, ધરતી,વાયુ બધા સાક્ષીઓ છે. સૂર્ય, ચંદ્ર, ધરતી,વાયુ બધા સાક્ષી ઓ છે. ભગવાનના સેવકો જ્યાં જાવ ત્યાં સાથે જ છે.
વાચક ચાહક મિત્રો,મહાશિવરાત્રી પછી  ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ શરૂ થશે ત્યારપછી કોલેજ માધ્યમિક પ્રાથમિક કક્ષા ની પરીક્ષાઓ.હવામાનમાં ફેરફાર ની શક્યતાઓ દેખાય છે આબધા વચ્ચે આપણે વિદ્યાર્થી ભાઈ બહેનો માટે એક સરસ વાત રજૂ કરીએ.
એક સાધુ યમુના નદીના ઘાટના કિનારે બેસી  રોજ બૂમ પાડતો હતો,”તમને જે જોઈએ તેમળશે” તમને જે જોઈએ તે મળશે.” ઘણા લોકો ત્યાંથી પસાર થતા પણ કોઈ તેની વાત પર ધ્યાન આપતું ન હતું અને બધા તેને પાગલ માનતા હતા. એક દિવસ એક યુવાન ત્યાંથી પસાર થયો અને તેણે તે સાધુનો અવાજ સાંભળ્યો, “તમને જે જોઈએ તે મળશે”, તમને જે જોઈએ તે મળશે.” અને અવાજ સાંભળતાં જ તે તેની તરફ ગયો.
તેણે સાધુને પૂછ્યું, “મહારાજ, તમે કહેતા હતા કે ‘તમને જે ચ જોઈએ તે મળશે’, તો શું તમે મને જે જોઈએ છેતે આપી શકો છો?
સાધુએ તેની વાત સાંભળી અને કહ્યું, “હા દીકરા, તું જે ઇચ્છે છે તે હું ચોક્કસ આપીશ, તારે ફક્ત મારી વાત માનવી પડશે. પણ પહેલા મને કહે કે તારે શું જોઈએ છે?”
યુવકે કહ્યું, “મારી એક જ ઈચ્છા છે; હું મોટો હીરાનો વેપારી બનવા માંગુ છું.”
સાધુએ કહ્યું, “કોઈ વાંધો નહીં, હું તને એક હીરા અને એક મોતી આપીશ, તેમની મદદથી તું ઇચ્છે તેટલા હીરા અને મોતી બનાવી શકીશ!”
અને આટલું કહીને સાધુએ તે યુવકની હથેળી પર હાથ મૂક્યો અને કહ્યું,”દીકરા,હું તને દુનિયાનો સૌથી કિંમતી હીરો આપી રહ્યો છું લોકો તેને ‘સમય’ કહે છે,તેને તારી મુઠ્ઠીમાં પકડી રાખ અને તેને ક્યારેય ગુમાવતો નહીં,તું તેમાંથી ગમે તેટલા હીરા બનાવી શકે છે.”
યુવાન હજી કંઈક વિચારી રહ્યો હતો ત્યાં જ સાધુએ તેની બીજી હથેળી પકડી અને કહ્યું, “બેટા, આને પકડી રાખ, આ દુનિયાનું સૌથી કિંમતી મોતી છે,લોકો તેને ‘ધીરજ’ કહે છે, જ્યારે સમય આપ્યા પછી પણ પરિણામ ન મળે, ત્યારે આ કિંમતી મોતીને પકડી રાખજે, યાદ રાખજે, જેની પાસે આ મોતી છે તે દુનિયામાં કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે.”
તે યુવાન સાધુના શબ્દો પર ગંભીરતાથી વિચારે છે અને નક્કી કરે છે કે આજથી તે ક્યારેય પોતાનો સમય બગાડશે નહીં અને હંમેશા ધીરજ રાખશે. અને એવું વિચારીને તેણે ઘણા બધા હીરા ખરીદ્યા.
તે એક મોટા ઉદ્યોગપતિ પાસે કામ કરવાનું શરૂ કરે છે અને પોતાની મહેનત અને પ્રામાણિકતા ના બળે, એક દિવસ તે પોતે પણ એક મોટો હીરાનો ઉદ્યોગપતિ બની જાય છે.
વિદ્યાર્થી મિત્રો,’સમય’અને ધીરજ’ એ બે હીરા અને મોતી છે જેની મદદથી આપણે સૌથી મોટા લક્ષ્યો પ્રાપ્ત કરી શકીએ છીએ. તેથી, એ મહત્વનું છે કે આપણે આપણો કિંમતી સમય બગાડીએ નહીં અને આપણા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે ધીરજથી કામ કરીએ.તો આપણે ભગવદ્ ગીતા જ્ઞાનમાં ચિંતન મનન કરી રહ્યા છીએ. જેના થકી હ્રદય મનમાં એક અનોખી તાજગી ભરવાનો પ્રયત્ન છે.અસ્તુ.
*યશપાલસિંહ ટી વાઘેલા દરબારગઢ થરા શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા*