ગણપત યુનિવર્સિટીના આંગણે આજે 18મો પદવીદાન સમારોહ યોજાશે, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. બપોરે 3:30થી સાંજે 4:30 વાગ્યા સુધી યોજાનાર આ સમારોહમાં યુનિવર્સિટીની સાત વિવિધ જ્ઞાનશાખાના કુલ 4,182 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ, સાંસદ મયંકભાઇ નાયક અને હરિભાઈ પટેલ, યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ અને ગ્રુપ પ્રો ચાન્સેલર મહેન્દ્ર શર્મા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. સમારોહમાં 97 મેધાવી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 23 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવશે.
યુનિવર્સિટીની સાત ફેકલ્ટીઝમાં આર્કિટેક્ચર, ડિઝાઇન એન્ડ પ્લાનિંગ, કોમ્પ્યુટર એપ્લિકેશન્સ, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, મેનેજમેન્ટ સ્ટડીઝ, ફાર્મસી, સાયન્સ, સોશિયલ સાયન્સ એન્ડ હ્યુમેનિટિઝનો સમાવેશ થાય છે. આ વિશેષ અવસરે યુનિવર્સિટી દ્વારા વિકસિત નેશનલ એડિટીવ મેન્યુફેક્ચરિંગ સેન્ટરનું પણ મહેમાનોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

