મંગળવારે ઉજવાનારા મકરસંક્રાંતિના પર્વને લઈને ગોહિલવાડમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પતંગ, દોરા, ફિરકી, સનગ્લાસ અને હેટ સહિતની ખરીદી કરવા બજારોમાં ઊમટી રહ્યા છે. સાથે જ તલ, શિંગ અને દાળિયાની ચીકીની પણ ધૂમ ખરીદી થઈ રહી છે.

સનાતન શાસ્ત્રો અનુસાર, સૂર્યદેવ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે, તે સમયને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા દાન-પુણ્ય અને જપ-તપનું ફળ હજાર ગણું મળે છે. લોકો ગાય, બ્રાહ્મણ અને જરૂરિયાતમંદોને દાન કરે છે તેમજ પવિત્ર જળાશયોમાં સ્નાન કરી ભગવાનની પૂજા-અર્ચના કરે છે.

પતંગોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ગૃહિણીઓ અને બાળકો ધાબા-છત અને અગાશીની સફાઈમાં વ્યસ્ત છે. સાઉન્ડ સિસ્ટમ અને સ્પીકર્સની ગોઠવણ પણ થઈ રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોથી સામહિક ઉજવણીનું ચલણ વધ્યું છે, જેને લઈને લોકો આખા દિવસના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. ભાવેણાવાસીઓ કોઈપણ તહેવારની ઉજવણીમાં કોઈ કસર છોડતા નથી, જે આ વર્ષે પણ જોવા મળી રહ્યું છે.