Gujarat

ગોધરામાં મુખ્ય માર્ગ પરના રખડતા ઢોરોને ટ્રાફિક પોલીસે ખસેડયા

ગોધરા શહેરના મુખ્ય માર્ગ પર રખડતા ઢોરો અડિંગો જમાવી દેતા અકસ્માત નિવારવા ટ્રાફીક પોલીસ ઢોરોને ખસેડી રહી છે. ત્યારે આજથી પાલિકા રખઢતા ઢોરોને પકડવાની ડ્રાઇવ ચાલુ કરવાનું હોવાનું પ્રમુખ જણાવી રહ્યા છે.

ગોધરા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વર્ષોથી ચાલતી આવી છે. શહેરના મુખ્ય માર્ગ પર રખડતા પશુઓ અડિંગો જમાવીને બેસી જતા અક્સ્માતનો ભય સતાવી રહ્યો છે. કોઇ નેતા ગોધરા આવે ત્યારે પાલિકા ઢોર ખસેડવા માટે માણસો મુકતા હોય છે.

પરંતુ શહેરીજનોને પડતી તકલીફ દૂર કરવા પાલિકા કોઇ માણસો મુકતા નથી. જેથી જુની મહેતા સ્કૂલ પાસે, આઇટીઆઇથી બંસલ મોલ સુધી, બસ સ્ટેન્ડ રોડ સહિત વિસ્તારના મુખ્ય માર્ગની વચ્ચે ઢોરો બેસી રહેતા ટ્રાફીક જામ જેવી સ્થિતિ ઉદભવે છે.

શહેરના માર્ગો પર વહેલી સવારથી પશુઓના ઝુંડના ઝુંડ મુખ્ય માર્ગો ઉપર અડિંગો જમાવી દેતા માર્ગ પરથી પસાર થતા રાહદારી વાહન ચાલકો નાના મોટા અકસ્માતનો ભોગ બનતા હોય છે.

રખડતા ઢોરો રોડ બેસી રહેતા ટ્રાફિકજામ થતા પાલિકા દ્વારા ઢોર ખસેડવાની જવાબદારી હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા ઢોરોને ખસેડવાની કામગીરી કરવી પડે છે.