Gujarat

કોસંબા નજીક નેશનલ હાઈવે પર ટ્રક-લક્ઝરીનો અકસ્માત

સુરત જિલ્લામાં નેશનલ હાઈવે 48 પર અકસ્માતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. કોસંબા નજીક હાઈવે પર એક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 3-4 મુસાફ અને બસ કંડક્ટરને સામાન્ય ઈજાઓ થઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં સવાર મુસાફરોની ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે નેશનલ હાઈવે 48 પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAIની ટીમે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવે પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ અકસ્માતની થોડી ક્ષણો પહેલાં જ આ જ હાઈવે પર એક ડમ્પર અને બે કાર વચ્ચે પણ અકસ્માત થયો હતો, જેમાં એક કાર બીજી કાર પર ચડી ગઈ હતી. સદનસીબે, તે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને કારમાં સવાર લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. તે અકસ્માતને કારણે પણ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો.