રાજકોટ જિલ્લાના જેતપુરમાં ડીવાયએસપી કચેરી બહાર એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો. યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી. યુવતીએ કચેરીની બહાર ઝેરી દવા ગટગટાવતા આપઘાતના પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. યુવતીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોય તેમ છતાં પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતી હોય જેથી પોલીસ દ્વારા ફરિયાદ ના નોંધાતા આખરે યુવતીએ કચેરી બહાર અંતિમ પગલું ભરી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોએ યુવતીને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી હતી. યુવતીના પરિવારે આક્ષેપક કરતા કહ્યું હતું કે પોલીસ દ્વારા દુષ્કર્મ ગુનેગારોને છાવરતા હોવાનો ગંભીર આરોપ લગાવતા ન્યાયની માંગ કરી. પરિવારનો આક્ષેપ છે કે તેમની પુત્રી દુષ્કર્મની ઘટનાનો શિકાર બની છે. છતાં પણ પોલીસ ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ નથી લઈ રહી. આખરે લોકોની રક્ષા કરતી પોલીસ તરફથી જ ન્યાય ના મળતાં યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો.
પીડિતાના પરિવારે જેતપુર, વીરપુર, જૂનાગઢ પોલીસ ધક્કા ખડવતા હોવાનો આક્ષેપ કર્યો. પીડિતા અને તેના પરિવારજનોએ વીરપુર પોલીસના બદલે રૂરલ એલસીબી અથવા એસપી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરે તેવી માંગ કરી છે.
ગોંડલ તાલુકાનાં ચોરડી નજીક આવેલા વાવડીનાં વીડો ગામે રહેતી યુવતીએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, જીલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરીને જણાવ્યુ કે પોતાનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ જુનાગઢ એ ડીવીઝન તથા વિરપુર પોલીસે લીધી નથી અને પોલીસ સ્ટેશનનાં ધક્કા ખવરાવ્યા છે.આથી ન્યાય નહીં મળે તો આજે
વિરપુર પોલીસ સ્ટેશન અથવા એસપી કચેરી સામે આત્મવિલોપન કરીશ તેવો લેટર લખી ચીમકી ઉચ્ચારી હતી.જેમાં કિર્તીબેન પરમારે રજુઆતમાં જણાવ્યું કે વાવડીના વીડો રહેતા વલ્લભભાઈ જાદવભાઇ ઘોળકીયા ઉપરાંત એક મહીલા સહીત સાત શખ્સોએ તા. 20/12/24 નાં મારું ઘર ભંગાવી નાખવાની ધમકી આપી મારુ અપહરણ કરી જૂનાગઢનાં દોલતપરા વિસ્તા માં લઇ જઇ ગોંધી રાખી હતી, જ્યાં આરોપીઓ દ્વારા છેતરીને મૈત્રી કરાર કરાવી ગોંધી રાખી છરીની અણીએ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જેથી મેં આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા અંગે વિરપુર પોલીસમાં ફરિયાદ કરી તો જુનાગઢ ગુનો બને છે ત્યાં જાવ તેવુ પોલીસ તરફથી કહેતા જુનાગઢ એ’ ડીવીઝન પોલીસ
સ્ટેશન ગઈ હતી.પરંતુ ત્યાં વિરપુર પોલીસમાં જાવ તેવુ જણાવી યોગ્ય જવાબ નહી આપી ધક્કા ખવરાવતાં હોય આખરે મારે ન્યાય માટે આત્મવિલોપન કરવાની ફરજ પડી રહી છે, જો મને કંઈ પણ થશે તો જૂનાગઢ અને વિરપુર પોલીસ તથા એસપી કચેરીની જવાબદારી રહેશે તેવું લેટરમાં પણ જણાવ્યું હતું.
આજ રોજ ડીવાયએસપી કચેરી ખાતે આત્મવિલોપન કરતા યુવતીના પરિવારએ વીરપુર પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે આરોપી વલ્લભ જાદવને છાવરી રહી છે અને એટલે જ ફરિયાદ નોંધવામાં ગલ્લાં તલ્લાં કરે છે. જેથી આરોપી સમય મળે ત્યારે ભાગી જઈ શકે.યુવતીના પરિવારજનોએ દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધી આરોપી સામે કાર્યવાહી કરતાં ન્યાયની માગ કરી.આ ઘટનાએ સ્થાનિક પોલીસની કાર્યપદ્ધતિ અને અપરાધીઓને રક્ષણ આપવાની શક્યતાને લઈને સવાલો ઊભા કર્યા છે.