Gujarat

પુણાગામમાં ચપ્પુના આઠ ઘા મારી ઢીમ ઢાળી દેવાયું, બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરતના પુણાગામ વિસ્તારમાં હત્યાનો એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. પુણાગામની સીતારામ સોસાયટી પાસે ડોક્ટરના ભાઈ એવા વિપુલ નકુમ નામના યુવકની ગામના જ યુવકે ચપ્પુના સાતથી વધુ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી.

ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ ફરાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિપુલ નકુમની હત્યા તેના જ વતનના વિપુલ વાળાએ જ કરી હોવાનું સામે આવ્યું છે. રૂપિયાની લેતી દેતીમાં આ હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગર અને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીમાં 38 વર્ષીય વિપુલભાઈ ભુરાભાઈ નકુમ પરિવાર સાથે રહે છે.

પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. વિપુલભાઈ અને તેના નાનાભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે. વિપુલભાઈનો નાનો ભાઈ ડોક્ટર છે જ્યારે વિપુલભાઈ છૂટકમાં ગાડી લે વેચનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.