શહેરના કોઠારિયા રોડ નંદા હોલ પાસે ગરબી જોવા નીકળેલા બે મિત્રનું બાઇક એકાએક ડિવાઈડર સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બંને યુવકનું મોત નીપજ્યું હતું. પરિવારના આધારસ્તંભ બંને યુવકના મૃત્યુથી બંનેના પરિવારમાં કલ્પાંત છવાયો છે.
શહેરના સહકારનગર મેઇન રોડ પર જમુનાનગરમાં રહેતો મિહિર રાજેશભાઇ ગોસાઇ (ઉ.વ.18) અને તેની બાજુમાં જ રહેતો મિત્ર મોહિત નિલેષભાઇ ટાંક(ઉ.વ.20) બંને શુક્રવારે રાત્રિના 10 વાગ્યા આસપાસ ઘરે ગરબી જોવા જવાનું કહીને નીકળ્યા હતાં.
દરમિયાન રાત્રિના દોઢેક વાગ્યા આસપાસ અન્ય મિત્રોએ પરિવારને જાણ કરી હતી કે, બંનેનું નંદા હોલ પાસે અકસ્માત થયું છે અને તેઓને 108 મારફતે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે. જેથી પરિવાર તુરંત જ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે બંનેની ઇમરજન્સી વિભાગમાં સારવાર ચાલુ હતી.
સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મિહિરે દમ તોડી દીધો હતો. જ્યારે મોહિતને પણ તબીબે બપોરના સમયે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

