Gujarat

નેશનલ હાઈવે 48 પર અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા બે યુવકોના મોત, પિતાના મૃત્યુથી બે નાના બાળકો નિરાધાર

માંગરોળ તાલુકાના સિયાલજ ગામમાં નેશનલ હાઈવે 48 પર એક ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યા છે. હોટલ જનપથ નજીકના પુલિયા પર રાત્રે સવા આઠથી નવ વાગ્યાના સુમારે એક અજાણ્યા વાહને મોટરસાઇકલ (GJ 05 EC 1575)ને અડફેટે લીધી હતી.

અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર 32 વર્ષીય હિમાંશુ બિરેન સિંહ ચમાર અને 19 વર્ષીય વિનીત ગોવિંદભાઈ ચમારનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.

બંને યુવકો ફાઉન્ટેન હોટલ પાસે ગાયપગલા વિસ્તારમાં રહેતા હતા અને વેલ્ડિંગનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. અકસ્માત સમયે બંને યુવકો કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હિમાંશુની પાછળ તેમની પત્ની અને બે નાના બાળકો નિરાધાર બન્યા છે. તેમના એક બાળકની ઉંમર બે વર્ષ અને બીજા બાળકની ઉંમર માત્ર એક વર્ષ છે.

જ્યારે વિનીતના બે ભાઈઓ તેમના વતનમાં માતા-પિતા સાથે રહે છે. બંને યુવકો ગુજરાતમાં આવીને કામ કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા.

ઘટનાની જાણ થતાં મૃતકોના સંબંધી અમિતભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે ફરાર થયેલા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.