Gujarat

સુરતથી બેંગકોક ફરવા ગયેલા બે-યુવકોને એરપોર્ટથી પરત મોકલી દેવાયા

હાલમાં વિદેશ પ્રવાસ અને ખાસ કરીને થાઈલેન્ડ જવાનો ક્રેઝ ગુજરાતીઓમાં ખૂબ વધ્યો છે. થાઈલેન્ડમાં ભારતીયો માટે ‘વિઝા ઓન અરાઈવલ’ અથવા વિઝા ફ્રી એન્ટ્રી હોવાથી લોકો મોટી સંખ્યામાં ત્યાં જઈ રહ્યા છે. પરંતુ પૂરતી તૈયારી વિના જવું સુરતના બે યુવકોને ભારે પડ્યું છે. સુરતથી બેંગકોક ફરવા ગયેલા બે પ્રવાસીઓને ત્યાંના ઇમિગ્રેશન વિભાગે એરપોર્ટ પરથી જ પરત મોકલી દેતા આ કિસ્સો અન્ય પ્રવાસીઓ માટે ચેતવણીરૂપ બન્યો છે.

બંને યુવકો પાસે પૂરતા દસ્તાવેજો અને નાણાંનો અભાવ મળતી માહિતી મુજબ, સુરતથી બે યુવકો ગત 22 ડિસેમ્બરના રોજ સાત દિવસ માટે થાઈલેન્ડના બેંગકોક ખાતે ફરવા માટે ઉપડ્યા હતા. તેઓ 22 ડિસેમ્બરે બેંગકોક એરપોર્ટ પર પહોંચ્યા હતા.

જોકે, ત્યાં ઉતર્યા બાદ ઇમિગ્રેશન ચેકિંગ દરમિયાન અધિકારીઓએ તેમની પૂછપરછ કરી હતી અને તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં બંને યુવકો પાસે પૂરતા દસ્તાવેજો અને નાણાંનો અભાવ જણાતા તેમને એરપોર્ટની બહાર નીકળવા દેવાયા ન હતા અને બીજા જ દિવસે એટલે કે 23 ડિસેમ્બરે સુરત પરત મોકલી દેવામાં આવ્યા હતાં.

ટુરિસ્ટ પાસે ઓછામાં ઓછા 10 હજારથી 20,000 થાઈ બાત રોકડા ફરજિયાત આ બંને યુવકોને પરત મોકલવા પાછળ મુખ્યત્વે બે મોટા કારણો જવાબદાર હતા. બંને યુવકો પાસે ખર્ચ કરવા માટે થાઈલેન્ડની કરન્સી (થાઈ બાત) માત્ર 2000 જેટલી જ હતી.

થાઈલેન્ડના પ્રવાસન નિયમો મુજબ, દરેક ટુરિસ્ટ પાસે પોતાના ખર્ચ પેટે ઓછામાં ઓછા 10,000થી 20,000 થાઈ બાત રોકડા હોવા ફરજિયાત છે. આ બંને યુવકો પાસે રહેવા માટે કોઈ હોટલનું કન્ફર્મ બુકિંગ ન હતું. તેઓએ મિત્રના ઘરે રહેવાનું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ ઇમિગ્રેશન અધિકારીઓએ તે માન્ય રાખ્યું ન હતું.