જામનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગઈકાલે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક અડધાથી અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદના કારણે મગફળી સહિતના ઉભા અને તૈયાર પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.
જામનગર શહેરમાં ગઈકાલે દિવસભર છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. રાત્રિના બાર વાગ્યાથી સવાર સુધી ધીમીધારે વરસાદ ચાલુ રહેતા અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજે વરસાદે વિરામ લીધો છે, પરંતુ આકાશ વાદળછાયું રહેતા વધુ વરસાદની શક્યતા છે.જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
જોડિયામાં અઢી ઇંચ, ધ્રોલમાં એક ઇંચ, કાલાવડ અને લાલપુરમાં બે ઇંચ, જ્યારે જામજોધપુરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.ભારે પવન સાથે પડેલા આ કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. મગફળી સહિતના ઉભા પાક અને લણણી માટે તૈયાર રાખેલા પાકને વરસાદથી ભારે નુકસાની થઈ છે. આજે પણ અનેક ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી પાકને વધુ નુકસાન થવાની ભીતિ છે.

