ટ્રમ્પે ભારતથી આયાત થતા હીરા, જ્વેલરી અને કાપડ સહિતની પ્રોડક્ટ પર હવે 25 ટકાની જગ્યાએ 50 ટકા ટેરિફ લાગુ કરી દેતાં આ તમામ ચીજવસ્તુ સરેરાશ 50 ટકા મોંઘી થઈ જશે. આ જાહેરાતથી સુરતના બે મુખ્ય ઉદ્યોગ ડાયમંડ અને ટેક્સટાઇલ પર ગંભીર અસર પડશે.
ડાયમંડમાં અમેરિકા સાથેના 47 હજાર કરોડના સીધા વેપારને મોટો ફટકો પડ્યો છે. હાલ ઉદ્યોગકારો આ અસરને ડામવા કે ઓછી કરવાના પ્રયાસ રૂપે નવા વિકલ્પો શોધી રહ્યા છે.
સુરતથી જેટલા ડાયમંડ વિશ્વના તમામ દેશોમાં એક્સપોર્ટ થાય છે તેના 30થી 35 ટકાનો ધંધો માત્ર અમેરિકા સાથે છે. જો ટેરિફ લાંબુ ચાલશે તો સુરતમાં અનેક રત્નકલાકારો બેકાર થઈ શકે છે. નાના યુનિટોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. આમ પણ હાલ હીરાબજારમાં મંદીની અસર લાંબા સમયથી છે.
કતારગામ હીરા બુર્સના સૂત્રો કહે છે કે અગાઉ રફના 80થી 85 પાર્સલ રોજ આવતા હતા, જે હવે ઘટીને 25 જેટલા થઈ ગયા છે અલબત્ત, ટેરિફ લાગુ કરવાના છેલ્લા દિવસે પણ 100 કરોડનું એકસપોર્ટ હતું.
ભારત પર જ્યાં 50 ટકા ટેરિફ છે તો તૂર્કિયે પર 15, વિયેતનામ પર 20 અને થાઇલેન્ડ પર 19 ટકા ટેરિફ છે. આથી સુરતનો ધંધો અન્ય દેશમાં પણ શિફ્ટ થવાની શક્યતા રહેલી છે. આ દેશો સુરતનો ધંધો છિનવી શકે છે.