સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના માનપુર ગામે શનિવારે એક ઘરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. લક્ષ્મણસિંહ ગુલાબસિંહ પરમારના મકાનમાં સંગ્રહિત બે ટ્રેક્ટરથી વધુ ઉસેલ અને ચાર ટ્રેક્ટરથી વધુ પૂળા સહિતનો ઘાસચારો આગની ચપેટમાં આવ્યો હતો.
આગ લાગતાં જ આજુબાજુના પાડોશીઓ અને ગ્રામજનો તરત જ દોડી આવ્યા હતા. તેમણે આગ બુઝાવવાના પ્રયાસો સાથે સૂકા ઘાસના પૂળા બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. સાથે સાથે ગાંભોઈ પોલીસ અને હિંમતનગર ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.
હિંમતનગર નગરપાલિકાની ફાયર ટીમ 2500 લીટર પાણી ભરેલ મિની ટેન્ડર લઈને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. લગભગ ચાર કલાકની જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
આ આગમાં મોટાભાગનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે. ગાંભોઈ પોલીસે આ ઘટના સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગ લાગવાના કારણો અંગે હજુ તપાસ ચાલી રહી છે.

