Gujarat

વડોદરાની સાવલી પોક્સો કોર્ટે છેડતીના બે કેસમાં બે આરોપીને ત્રણ-ત્રણ વર્ષની સજા અને દંડ ફટકાર્યો

વડોદરા જિલ્લાના સાવલી પોક્સો કોર્ટે છેડતીના અલગ-અલગ બનાવમાં બે આરોપીને ત્રણ-ત્રણ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે ભોગ બનનારને એક-એક લાખ‌ રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

પહેલો કેસ

મળેલી માહિતી પ્રમાણે, સાવલીના ટુંડાવ ગામે રહેતા શકીલ સાજીદ પઠાણ તાલુકામાં રહેતી કિશોરીનો મોબાઇલ નંબર મેળવી તેના ઉપર વોટ્સએપ ચેટિંગ કરતો હતો. તેથી કિશોરીએ તેનો મોબાઇલ નંબર બ્લોક કરી દેતા તે અન્ય નંબરથી મેસેજ કરી પરેશાન કરતો હતો.

કિશોરીના માતા-પિતા નોકરી ઉપર જતા હતાં, ત્યારે કિશોરી તેની માસીના ઘરે ટીવી જોતી હતી ત્યાં ધસી ગયેલા શકીલ પઠાણે તેણીને લાફો મારી તેની સગાઇ તોડી નાંખવાના પણ પ્રયાસ કર્યા હતા. કિશોરી જ્યારે ઘરની બહાર નીકળતી ત્યારે તેનો પીછો કરી ગંદા ઇશારા કરતો હતો. તેમજ એસિડ એટેકની ધમકી પણ આપતો હતો.

જેને લઇ ભોગ બનનારના પરિવારજનો દ્વારા મંજુસર પોલીસ મથકે 2023માં ફરિયાદ આપવામાં આવી હતી.

પોલીસે ગુનો નોંધી આરોપી શકીલ પઠાણની ધરપકડ કરી સાવલી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેની સુનાવણી હાથ ધરાતા સરકારી વકીલ ચંદ્રકાન્ત પટેલની દલીલો અને પુરાવાના આધારે મુળ આણંદ જિલ્લાના ખાનપુરના વતની શકીલ સાજીદખાન પઠાણને 3 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 37 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમજ ભોગ બનનારને 1 લાખ રૂપિયાનું વળતર આપવાની ભલામણ કરી હતી.

બીજો કેસ

બીજા બનાવમાં સાવલી તાલુકાના એક ગામમાં રહેતી કિશોરીનો વાંકાનેર ગામમાં રહેતો મોહસીન સિરાજભાઇ પરમાર અવારનવાર પીછો કરતો હતો. ગંદા ઇશારા કરી બિભત્સ માંગણી કરતો હતો. એક દિવસ કિશોરી લગ્નપ્રસંગે મહેંદી મુકાવવા માટે જતી હતી, ત્યારે રસ્તામાં તેનો હાથ પકડી તારે મારી સાથે સંબંધ રાખવો પડશે, તને કોઇની થવા દઉં નહીં તેમ જણાવ્યું હતું.

તેમજ કિશોરીની સગાઇની વાતો ચાલતી હતી તે ફોક કરાવવા માટેનો પણ પ્રયાસ કરતો હતો. જેને લઇ 30 મેના રોજ ભોગ બનનારના પરિવારજનો દ્વારા ભાદરવા પોલીસ મથકે ગુનો દાખલ કરાતા સીપીઆઇ દ્વારા આરોપી મોહસીન સિરાજભાઇ પરમારની ધરપકડ કરી અદાલત સમક્ષ ચાર્જશીટ કરી હતી.

આ કેસની સુનાવણી ચાલી જતા સરકારી વકીલ ચંદ્રકાન્ત પટેલની ધારદાર દલીલો અને પુરાવાના આધારે પોક્સો જજ જે.એ. ઠક્કર દ્વારા આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે.

અદાલતે ચુકાદામાં નોંધ્યું છે કે ભોગ બનનાર આ ઘટના બાદ અભ્યાસ કરવાનું છોડી દીધું હોય તો સીડબલ્યુસી અને ડીસીપીયુ દ્વારા તાત્કાલિક પરિવારનો સંપર્ક કરી ભોગ બનનારનું કાઉન્સિલિંગ કરી તે પુન: અભ્યાસ શરૂ કરે તેવા પ્રયાસો કરવા જોઇએ.