વિશ્વ પ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલિતાણાના પવિત્ર ગિરિરાજ શેત્રુંજી પર્વત પર આજે એક રોમાંચક અને ફાળ પડે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. યાત્રાના માર્ગ પર અચાનક ડાલામથ્થા સિંહે એન્ટ્રી લેતા શ્રદ્ધાળુઓના શ્વાસ થંભી ગયા હતા. બે મહિનામાં બીજી વાર ડુંગર પર સિંહ દેખાવાની આ ઘટનાએ વન વિભાગ અને યાત્રિકો બંનેને સતર્ક કરી દીધા છે.

પગદંડી પર સિંહ અને શ્રદ્ધાળુઓ સામસામે આજે 22 ડિસેમ્બર સવારે અંદાજે 10 વાગ્યાની આસપાસ જ્યારે અનેક શ્રદ્ધાળુઓ ડુંગર પર ચઢાણ કરી રહ્યા હતા અને કેટલાક નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે અચાનક એક સિંહ ચાલતો-ચાલતો પગદંડી પર આવી ચડ્યો હતો.
સિંહને જોતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ સંભળાય છે કે એક યુવક ડરના માર્યા બોલી રહ્યો છે, “એ ભાઈ ઈસ સાઈડ આ રહા હૈ”, તો બીજી તરફ મહિલાઓ એકબીજાને શાંત રહેવા અને અવાજ ન કરવા સૂચના આપી રહી છે. ડરના માહોલ વચ્ચે પણ કેટલાક ભક્તો ‘જય આદિનાથ’ના નારા લગાવતા અને ભગવાનને યાદ કરતા જોવા મળ્યા હતા.
આ ઘટના અંગે ફોરેસ્ટ અધિકારી એસ.ડી. બારૈયાએ પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે આ વીડિયો આજનો એટલે કે 22 ડિસેમ્બર, 2025ના રોજ સવારનો જ છે. શેત્રુંજી ગિરિરાજ પર્વત જંગલ વિસ્તારમાં આવતો હોવાથી વન્યપ્રાણીઓ ઘણીવાર રસ્તો ઓળંગવા માટે પગદંડી પર આવી જતા હોય છે.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા યાત્રિકોને અપીલ કરવામાં આવી છે કે જંગલ વિસ્તારમાં વન્યપ્રાણી દેખાય ત્યારે શાંતિ જાળવવી અને તેમની નજીક જઈને વીડિયો ઉતારવાનું જોખમ ન ખેડવું.

