કોસંબા ગામની સીમમાં મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર વાંસદાથી ગાંધીનગર જતી મિની લક્ઝરી બસ (નંબર DD-01-V-9434) એક કન્ટેનર (નંબર NL-01-AH-2140) સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માતમાં બસમાં સવાર મજીદભાઈ માલજીભાઈ દેસાઈ (ઉંમર 47, રહે. કેસબંધ ગામ, તા. સુબીર, જિ. ડાંગ)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ચાર મુસાફરોને ગંભીર ઈજાઓ થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટના ચાંદની હોટલની સામે બની હતી, જ્યાં બસ ચાલકે પૂરઝડપે વાહન હંકારતા આગળ જતા કન્ટેનર સાથે અથડામણ થઈ હતી. અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કોસંબા પોલીસે કલાકોની જહેમત બાદ બંને અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી ટ્રાફિક પરિસ્થિતિ સામાન્ય કરી હતી.