સુત્રાપાડા તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વારેમારે વરસાદ ન થતાં ખેડૂતવર્ગ ચિંતિત બન્યો છે. આ પરિસ્થિતિને ધ્યાને લઇ ધામળેજ ગામના લોકો દ્વારા મેઘરાજાને પ્રસન્ન કરવા અને વહેલી તકે મેઘવર્ષા થાય તે આશયથી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

ગામના શ્રી નવદુર્ગા માતા (મગાજડી માતા)ના પવિત્ર મંદિર પ્રાંગણમાં વરુણદેવને રીજવવા આ વિશેષ યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો હતો. ગામના યુવાનો, આગેવાનો તેમજ તમામ ખેડૂતોના સહકારથી શ્રદ્ધા અને ભક્તિભર્યા માહોલમાં યજ્ઞ કાર્ય શ્રેષ્ઠ રીતે સંપન્ન થયું.
આ અવસરે ગામના ભૂદેવો મધુભાઈ પંડ્યા અને રોહિતભાઈ પંડ્યાએ વેદમંત્રોચ્ચાર સાથે વરુણદેવની આરાધના કરી અને ધરતીપુત્ર ખેડૂતના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવવાના આશીર્વાદ માંગ્યા. સૌએ એકજ શુભેચ્છા વ્યક્ત કરી કે વરુણદેવ મહેરબાન થાય અને વહેલી તકે વરસાદથી ધરતી તૃપ્ત થાય.
– રિપોર્ટર: પરેશ લશ્કરી, ધામળેજ

