રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની શી ટીમે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં રહેતા દિવ્યાંગોને રાખડી બાંધી અનોખી રીતે તહેવારની ઉજવણી કરી હતી.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.

તેમના દ્વારા શી ટીમને શહેરમાં વયોવૃદ્ધ સિનિયર સિટીઝન અને દિવ્યાંગ લોકોને મળી તેમની મદદરૂપ થવા અવારનવાર સૂચના આપવામાં આવે છે તા. 9 ઓગસ્ટ, 2025ના રોજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામી શી-ટીમ સાથે વેરાવળ નેશનલ હાઇવે પર મહાકાળી હોટલ પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના આશ્રમ ખાતે પહોંચ્યા હતા.

આશ્રમમાં રહેતા દિવ્યાંગોને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે શી ટીમના સભ્યોએ રાખડી બાંધી હતી. આ સાથે તેમણે દિવ્યાંગો સાથે સમય વિતાવી તહેવારની ઉજવણી કરી હતી. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા પોલીસ અને સમાજ વચ્ચે સેતુ મજબૂત બને છે અને સમાજના દરેક વર્ગ સુધી પોલીસની સેવાઓ પહોંચે તે સુનિશ્ચિત થાય છે.