બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામના મમાણા ગામે ગુજરાત એનસીસી દ્વારા વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અનુપમ પગાર કેન્દ્ર શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરહદી ગામોના નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો હતો.

કાર્યક્રમમાં એનસીસી કેડેટ્સ અને શાળાના વિદ્યાર્થીઓએ નૃત્ય, ભાષણ અને સંગીતની પ્રસ્તુતિ કરી. લોક જાગૃતિ માટે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ વિષય પર નાટક રજૂ કરવામાં આવ્યું. સુઈગામના પ્રાંત અધિકારી, બીએસએફના સબ ઇન્સ્પેક્ટર અને ગામના સરપંચે કાર્યક્રમના ઉદ્દેશો વિશે માર્ગદર્શન આપ્યું.

35 ગુજરાત બટાલિયન એનસીસીના ઓફિસર લેફ્ટિનન્ટ કર્નલ પ્રીતી તિવારીએ મહેમાનોનું સ્વાગત કર્યું. કાર્યક્રમમાં એસ.ડી.એમ. ડૉ.અરવિંદ પ્રજાપતિ, 137 બટાલિયનના સબ ઇન્સ્પેક્ટર ઈશ્વરસિંહ અને તેમની ટીમ હાજર રહ્યા. સુઈગામ તાલુકા વિકાસ અધિકારી પ્રવીણ, ગામના સરપંચ, ટ્રસ્ટી ડૉ.મહિપાલસિંહ ગઢવી અને શાળાના આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમમાં 250 જેટલા એનસીસી કેડેટ્સ અને શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ભાગ લેનારા તમામ કેડેટ્સ અને વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક સામગ્રી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.



