Gujarat

VMC નિમેટા શુદ્ધિકરણ પ્લાન્ટના મેઇન્ટેનન્સનો નવો ઇજારો આપશે, હાલ ઇજારો ધરાવતી કંપની ઉપર બ્લેકલિસ્ટનો ખતરો

વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા શાખા હસ્તકના નિમેટા શુદ્ધિકરણ પ્લાન્ટ નંબર 1, 2 અને 3 ખાતે સંચાલન અને નિભાવણી કરવા 5 વર્ષની કામગીરી માટેનો નવિન ઇજારો પૂજા કન્સ્ટ્રક્શનને આપવાનું કામ પાલિકાની સ્ટેન્ડિંગ સમિતીમાં મંજૂરી માટે આવ્યું છે.

આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે સંભવતઃ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ છે. નોંધનીય છે કે, જે કંપની ઉપર બ્લેક લિસ્ટનો ખતરો તોળાઇ રહ્યો છે તે કંપનીનો એક્સ્ટેન્શન આપ્યા પછીની મુદત પણ આગામી માસમાં પૂરી થઇ‌ રહી છે.

જૂની કંપનીને બ્લેકલિસ્ટ કરાઈ તેવી શક્યતા મળેલી માહિતી પ્રમાણે હાલમા મે. વી.એ. ટેક વાબાગ કંપનીનો ઇજારો છે. તેની મુદત 20-10-2024ના રોજ પૂરો થયો હતો. પાલિકા દ્વારા પ્રતિદિન રૂપિયા 16.66 લાખની ચૂકવણી સાથે બીજો ઇજારો ન થાય ત્યાં સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું.

તેની મુદત પણ આગામી 20-4-2025ના રોજ પૂરી થઇ રહી છે. આ કંપની ઉપર બ્લેક લિસ્ટની તલવાર લટકી રહી હોવાનું જાણવા મળ્યું છે. તેવી કંપનીને પાલિકા વિદાય આપી નવો ઇજારો આપવા માટેનુ આયોજન કરવામાં આવ્યું છે.

13 કરોડના કામનો આજે નિર્ણય આવી શકે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકોને શુદ્ધ પાણી મળે તે માટે આજવા સરોવરમાથી આવતું પાણી નિમેટા શુદ્ધિકરણ પ્લાન્ટમાં શુદ્ધ કરીને આપવામાં આવે છે.

આથી નિમેટા શુદ્ધિકરણ પ્લાન્ટના મેઇન્ટેનન્સનો ઇજારો આપવા માટેનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. જે માટે સૌથી ઓછા ભાવ ભરનાર કંપનીને કામ આપવા માટે સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત આવી છે. રૂપિયા 13 કરોડના આ કામનો આજે સાંજે મળનારી સ્થાયી સમિતીમાં સંભવતઃ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.