Gujarat

196 પંચાયતોમાં 22 જૂને મતદાન, 48 ઉમેદવારો મેદાનમાં, એક ગામમાં ચૂંટણી બહિષ્કાર

ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. 196 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને પેટા ચૂંટણી માટે 22 જૂનના રોજ મતદાન થશે. ગાંધીનગર – દહેગામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગઈકાલે ફોર્મ પરત ખેંચ્યા પછી કુલ 48 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

તો એક ગામમાં ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે.

વલાદ ગામમાં સરપંચ માટે આઠ ફોર્મ ભરાયા હતા. ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા પાંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. વજાપુરામાં સરપંચના પાંચ ફોર્મમાંથી એક પરત ખેંચાતા ચાર ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

ગાંધીનગર તાલુકાના સાત ગામ માટે 31 ઉમેદવારો સરપંચની રેસમાં છે.

દહેગામની સાત પંચાયતમાં કુલ 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. લિહોડા પંચાયતમાં 3, લખાના મુવાડામાં 2, પનાના મુવાડામાં 4, કૃષ્ણનગર કાંઠીમાં 2, બારડોલી કાંઠીમાં 2, કલ્યાણજીના મુવાડામાં 2 અને ખાખરામાં 2 ઉમેદવારો છે. બિલમણા પંચાયતમાં સરપંચ પદની પેટા ચૂંટણીમાં બે ઉમેદવારો છે.