જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે કમોસમી વરસાદે દસ્તક આપી છે. વહેલી સવારે ઘેરા વાદળો છવાયા બાદ બપોરે પવન સાથે વરસાદ શરૂ થયો. શહેરના ભવનાથ તળેટી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે મેના અંતિમ અઠવાડિયામાં કરેલી વરસાદની આગાહી સાચી પડી છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના બિનઆયોજિત કામને કારણે વરસાદ લોકો માટે મુશ્કેલીરૂપ બન્યો છે. મધુરમ, દોલતપરા, મજેવડી ગેટ અને જોશીપરા વિસ્તારમાં વિવિધ કામો માટે રસ્તાઓ ખોદવામાં આવ્યા છે. વરસાદ આવતાં જ આ ખાડાઓ પાણીથી ભરાઈ ગયા છે.

વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બાઇક ચાલકો પાણીથી ભરેલા ખાડાઓને કારણે અસંતુલિત થઈ રહ્યા છે. વૃદ્ધો અને બાળકો માટે રસ્તા પરથી પસાર થવું જોખમી બન્યું છે.

સ્થાનિક રહીશો અને વેપારીઓએ પાલિકા સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમના મતે પાલિકા દર વર્ષે મોટા બજેટની જાહેરાત કરે છે. પરંતુ કામગીરી યોગ્ય રીતે થતી નથી. ખોદકામવાળા વિસ્તારોમાં સુરક્ષાના કોઈ પગલાં લેવાયા નથી.

એક તરફ જુનાગઢ મહાનગરપાલિકા તરફથી શહેરમાં વિકાસના દાવા કરવામાં આવે છે, પરંતુ વરસાદના માત્ર થોડા જ કલાકોમાં ખોડાયેલા રોડ, ડ્રેનેજના અભાવ અને પાણી ભરાવાની સમસ્યાઓથી સ્પષ્ટ થાય છે કે વાસ્તવમાં જૂનાગઢ શહેરમાં પાયાભૂત વ્યવસ્થાઓની હાલત નાજુક છે. જ્યારે લાગી રહ્યું છે કે જુનાગઢ મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે જે ગટર વ્યવસ્થા ઉભી કરવાની વાત કરી હતી તે માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે….

